ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ચોરીના ગુનાઓ ઉકેલવા પોલીસ દોડી રહી છે ત્યારે ગાંધીનગર એલસીબીની ટીમ દ્વારા રાત્રે રીક્ષા લઈને ફરી વાહનોમાંથી બેટરી ચોરી જતી ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે અને બે સાગરીતોને પકડીને ચોરીની ૧૭ જેટલી બેટરીઓ કબજે કરવામાં આવી છે.

તાજેતરમાં ગાંધીનગર સેક્ટર-૭ અને ડભોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહનોમાંથી બેટરી ચોરીના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો હતો. આ બાબતને ગંભીરતાથી લઈ ગાંધીનગર રેન્જ ડીઆઇજી વિરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમસેટ્ટીએ આ ગેંગને ઝડપી પાડવા માટે એક્શન પ્લાન બનાવવાની સૂચના એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી વાળા અને એચ.પી પરમારને આપી હતી. જેના પગલે તેમણે ટીમો બનાવી ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ શરૃ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, બાલારામ પ્રતાપજી ઠાકોર નામનો શખ્સ તેના સાગરિતો સાથે મળી આ ચોરીઓને અંજામ આપે છે. બાતમીના આધારે પોલીસે વાવોલના ગોકુલપુરા ખાતે આવેલા એક કાચા છાપરામાં દરોડો પાડયો હતો. જ્યાંથી બાલારામ પ્રતાપજી ઠાકોર અને તેનો સાગરીત વિજય શંકરભાઈ દેવીપુજક મળી આવ્યા હતા જેમની પૂછપરછ કરતા બહાર આવ્યું હતું કે આ ગેંગ છેલ્લા ૩-૪ મહિનાથી પોતાની રિક્ષા લઈને રાત્રિના સમયે નીકળતી હતી. તેઓ હાઈવે કે રોડ પર પાર્ક કરેલા આઈશર કે ટ્રક જેવા વાહનોને ટાર્ગેટ કરતા અને હથિયાર વડે બેટરીના વાયર કાપીને ચોરી કરી લેતા હતા. ત્યારબાદ આ ચોરીની બેટરીઓ ભંગારનો ધંધો કરતા પપ્પુ દંતાણી, સુરેશ દંતાણી અને વિજય દંતાણીને વેચી દેતા હતા. હાલ પોલીસે તેમની પાસેથી ૧૭ જેટલી બેટરી કબજે કરી હતી એને બે ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે.

