ગાંધીનગરના રુપાલમાં આવેલા વરદાયિની માતાજીની દર વર્ષે પરંપરાગત રીતે યોજાતી પલ્લીનું માઈભક્તોમાં અનેરું મહત્ત્વ છે. દર વર્ષે નવરાત્રિમાં યોજાતી પલ્લી યાત્રામાં દૂર-દૂરથી માઈભક્તો આવે છે અને પલ્લીયાત્રાનાં દર્શન કરીને ધન્યતા અનુભવે છે. રૂપાલ વરદાયિની માતા મંદિરે દર વર્ષે નવરાત્રિનાં નોમના દિવસે પલ્લી મેળો ભરાય છે. ત્યારે આ વર્ષે પણ 30 સપ્ટેમ્બર એટલે કે નોમના દિવસે રાતે 12:00 વાગ્યે પલ્લી યાત્રા નીકાળવામાં આવી હતી. જેમાં હજારો ભક્તો ઉમટી પડ્યા હતા.

ભક્તોએ પલ્લી પર ઘીનો અભિષેક કર્યો
માતાજીની પલ્લી પર કરાતા શુદ્ધ ઘીના અભિષેક માટે ટ્રેકટરની ટ્રોલીઓમાં ઘી એકત્ર કરવામાં આવ્યુ હતું. મોટી સંખ્યામાં ભક્તોએ પલ્લી પર શુદ્ધ ઘીનો અભિષેક કરી ધન્યતા અનુભવી હતી.
આસો મહિનાની નવરાત્રિની નોમ પર પાલખી યાત્રા યોજાય છે
ગાંધીનગરથી આશરે 15 કિ.મી. દૂર રુપાલ ગામે દેવી વરદાયિની માતાજીનું મંદિર આવેલું છે. દર વર્ષે આસો મહિનાની નવરાત્રિની નોમના દિવસે પાલખી યાત્રા યોજાય છે. નોમના દિવસે નીકળતી માતાજીની પલ્લી વિશ્વભરમાં રુપાલની પલ્લી તરીકે ઓળખાય છે. એવુ કહેવાય છે કે, આ મંદિર રામાયણ અને મહાભારત કાળ સાથે જોડાયેલું છે. ગઈકાલ એટલે કે, 30 સપ્ટેમ્બર 2025ના રોજ રાત્રે 12 વાગ્યે માતાજીની પલ્લી નીકાળવામાં આવી હતી. પલ્લીમાં ઘીનો અભિષેક કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. જય વરદાયિની જય જગદંબા નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું. સમગ્ર ગામમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું.

