સેક્ટર-4માં જે કુદરતી તળાવને પુરાણ કરી દેવાનો પ્રયાસ કરાતો હતો, આજે એ તળાવને કોર્પોરેશન દ્વારા નવેસરથી વિકસાવવામાં આવી રહ્યો છે.આ કુદરતી જળસ્ત્રોતની જગ્યા પર નજર બગડી હતી. પરંતુ આખરે કુદરતી તળાવનો બચાવ થયો છે અને ત્યાં આગામી સમયમાં ઉબડખાબડ જગ્યાના બદલે તળાવનું નવસર્જન જોવા મળશે. પાંચ કરોડના ખર્ચે તળાવને તૈયાર કરવામાં આવશે.

ગાંધીનગર કોર્પોરેશન દ્વારા શહેરના તળાવોને નવેસરથી વિકસાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મહાપાલિકા વિસ્તારમાં એકસોથી પણ વધુ તળાવો આવેલા છે. સેક્ટર-4 ખાતે આ તળાવ તૈયાર થઈ જશે તો ચોમાસામાં આજુબાજુના વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા નહી રહે. એટલું જ નહિ વરસાદી પાણી તળાવમાં સીધેસીધું ઠલવાય તે પ્રકારે જોગવાઈ કરવામાં આવશે. તળાવના નવસર્જનથી આસપાસના અંદાજે એક હજાર જેટલા રહીશોનો લાભ થશે. આ વિસ્તારનો કુદરતી માહોલ આખેઆખો પરિવર્તિત થઈ જશે. નાગરિકો માટે હરવાફરવા માટેનું એક ઉત્તમ પર્યાવરણીય સ્થળ મળી રહેશે. પ્રાપ્ત માહિતીમાં આ પ્રોજેક્ટનું ક્ષેત્રફળ અંદાજે 7962.91 ચોમી જેટલું છે. જેમાં 2341.15 ચોમી વોટર બોડી એરિયા અને 5621.76 ચોમી વિસ્તારને ડેવલોપમેન્ટ એરિયા તરીકે વિકસાવવામાં આવશે. લગભગ 11 મહિનામાં આ પ્રોજેક્ટનું કામ પુરું કરી દેવામાં આવશે. કોર્પોરેશને એજન્સીના શિરે જ પાંચ વર્ષ સુધી નિભાવણીની જવાબદારી નિયત કરી દીધેલી છે. અહીં તળાવ ઉપરાંત લોકોની સુવિધા માટે અંદર વોકિંગ એરિયા, સિનીયર સિટીઝનો માટેનો સિટીંગ એરિયા, લોનવાળો ગ્રીન સ્પેસ વિકસાવવામાં આવશે. તળાવ અને તેની આજુબાજુના વિસ્તારને કેવી રીતે વિકસાવવો તેની ડિઝાઈન તૈયાર કરી દેવામાં આવી છે.

