GANDHINAGAR : ઉપવાસ આંદોલનને મંજૂરી નહીં અસરગ્રસ્ત ખેડૂતોનું વિરોધ પ્રદર્શન

0
56
meetarticle

ગાંધીનગર શહેરની રચના માટે મહામૂલી જમીન આપનાર સાત ગામના ખેડૂત પરિવારો દ્વારા ન્યાય માટે ૧૧ દિવસના ઉપવાસ આંદોલનની જાહેરાત કરી તંત્ર પાસે મંજૂરી માંગવામાં આવી હતી પરંતુ તે નહીં મળતા આજે સત્યાગ્રહ છાવણી ખાતે ઉપર બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સરકાર આંદોલનનો હક્ક પણ છીનવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

ગાંધીનગર શહેરની રચના કરવામાં આવી ત્યારે આસપાસના પાલજ,બાસણ, ઇન્દ્રોડા, ધોળાકુવા બોરીજ, આદીવાડા, ફતેપુરા જેવા ગામોની જમીન સંપાદિત કરવામાં આવી હતી. જોકે શહેર માટે પોતાની મહામૂલી જમીન આપી દેનાર આ ગ્રામજનોની હાલત હાલ ખૂબ જ ખરાબ છે. છેલ્લા ઘણા વર્ષોથી તેમની વિવિધ પડતર માગણીઓ સંદર્ભે કોઈ જ નિર્ણય લેવામાં આવતો નથી અગાઉ મુખ્યમંત્રીની હાજરીમાં બોલાવેલી બેઠકમાં પણ ગામના પ્રશ્નોને તાત્કાલિક હલ કરવા તાકીદ કરવામાં આવી હતી પરંતુ તે અંગે પણ નિર્ણય લેવાતાં નથી ત્યારે નાછૂટકે આ અસરગ્રસ્ત ખેડૂતોના પરિવારો દ્વારા ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ૧૧ દિવસના ઉપવાસ આંદોલન કરવાની જાહેરાત કરવામાં આવી હતી અને આ માટે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર પાસે મંજૂરી માંગવામાં આવી હતી. ૩૦ ડિસેમ્બરથી ૯ જાન્યુઆરી સુધી સત્યાગ્રહ છાવણી ઉપર પાંચ પાંચ ગ્રામજનો દ્વારા ઉપવાસ ઉપર બેસવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જો કે તંત્ર દ્વારા આ ખેડૂતોને ઉપવાસ આંદોલન કરવા માટે મંજૂરી આપવામાં આવી નથી. જેથી ના છૂટકે આજે અસરગ્રસ્ત ખેડૂતો પરિવાર સાથે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ઉપર વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચ્યા હતા. અસરગ્રસ્ત વસાહત મહામંડળના પ્રમુખ ભરતસિંહ બિહોલાએ જણાવ્યું હતું કે, અમારા સાત ગામોના પ્રશ્નો વર્ષોથી પડતર છે અને સરકાર તે માટે કોઈ નિર્ણય લેતી નથી પરંતુ હવે ગ્રામજનો આંદોલન કરવાનો બંધારણીય હક્ક પણ છીનવવામાં આવી રહ્યો છે. આ વખતે ભલે તંત્ર દ્વારા આંદોલન માટે મંજૂરી આપવામાં આવી નથી પરંતુ ખેડૂતો શાંત બેસશે નહીં અને ન્યાય માટે સતત લડતા રહેશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here