પાટનગર આસપાસ મુખ્ય માર્ગો પર નોંધાયેલા અકસ્માતના ગુનાઓ ઉકેલાયા વગરના ના રહે તેના માટે પણ ગાંધીનગર પોલીસને કામે લગાડવામાં આવી છે. તેના અંતર્ગત ચિલોડાથી ગાંધીનગરના હાઇ વે પર છ દિવસ પહેલાં કારને ટક્કર મારીને તેના ચાલકને ઇજા પહોંચી હોવા છતા નાશી છુટેલા ડર્બો ટ્રકના ચાલકને ઝડપી લેવાયો છે. સીસી ટીવી ફૂટેજથી ઓળખ સ્થાપિત કર્યા બાદ ચિલોડા પોલીસે તેની ધરપકડ કરી હતી.

ગત તારીખ ૨૪મી નવેમ્બરે ઉપરોક્ત અકસ્માત સર્જાયો હતો. તેમાં ટર્બો ટ્રકની ટક્કરથી કારને નુકસાન થવાની સાથે તેના ચાલકને ઇજા પહોંચી હતી. પરંતુ ચાલક ટ્રકને ભાગવીને નાસી છુટયો હતો. નોંધવું રહેશે, કે ગાંધીનગર જિલ્લામાં રેતીની હેરાફેરી કરતા સહિતના ટર્બો ટ્રક્સ બેફામ દોડતા રહેવાની સાથે છાશવારે અકસ્માતો સર્જતાં રહે છે. ત્યારે જિલ્લા પોલીસ વડા દ્વારા અકસ્માતના બનાવોમાં નોંધાયેલા ગુનાઓ ઉકેલવા પર વિશેષ ભાર મુકવાની સુચના આપી હતી.
દરમિયાન ઉપરોક્ત બનાવ સંબંધે ચિલોડા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી તે દરમિયાન હાઇવે પર આવેલા પેટ્રોલ પમ્પ, હોટેલ, રેસ્ટોરન્ટ, આર્મી કેમ્પ તથા એરફોર્સ કેમ્પ પર લગાવવામાં આવેલા સીસી ટીવી કેમેરાના ફૂટેજ મેળવવામાં આવ્યા હતાં. તેમાં કાર અને ટર્બો ટ્રકના આ અકસ્માત પહેલાના અને પછીના સીસી ટીવી ફૂટેજની બારિકાઇથી ચકાસણી કરીને અકસ્માત સર્જનાર ટ્રકની ઓળખ સ્થાપિત કર્યા બાદ તેના ચાલક મુળ બિહારના અને હાલ અમદાવાદના દસક્રોઇ તાલુકાના ભુવાલડી ગામે તેના શેઠ બિકાસ ઠાકુરની ઓરડીમાં રહેતા મકસુદખાન સુલતાનખાનને અમદાવાદ જઇને ઝડપી લીધો હતો.

