ગાંધીનગર મહાનગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં વિવિધ સાત દરખાસ્તો ઉપર નિર્ણય લઈને તેને મંજૂર કરવામાં આવી હતી ત્યારે મહત્વની એવી કોર્પોરેશનની હદ બહાર બચાવ કામગીરીમાં હવે ફાયર બ્રિગેડ કોઈ જ પ્રકારનો ચાર્જ નહીં વસુલે તે દરખાસ્તને પણ મંજૂર કરવામાં આવી હતી.

ગાંધીનગર મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે આજે મેયર મીરાબેન પટેલની અધ્યક્ષતામાં સામાન્ય સભા મળી હતી. જેમાં વિવિધ સાત દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. મુખ્યત્વે ફાયર સવસના નિયમોમાં ફેરફાર અને વહીવટી ખર્ચમાં વધારો કરવા જેવા મહત્ત્વના મુદ્દાઓ પર નિર્ણય લેવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાના વર્ષ ૨૦૨૩ના ઠરાવ મુજબ ફાયર બ્રિગેડ દ્વારા મનપા વિસ્તાર બહાર કેનાલ- નદી- તળાવમાં બચાવ કામગીરી કે મૃતદેહ શોધવાની કામગીરીનો ચાર્જ વસૂલવામાં આવતો હતો. આ ઉપરાંત મનપાની હદ બહારના વિસ્તારમાં આગ બુઝાવવાની કામગીરી માટે પણ નિયત ચાર્જ વસૂલવામાં આવતો હતો પરંતુ આ બંને કામગીરી માટે હવે ચાર્જ વસૂલવામાં નહીં આવે. જોકે, કોમશયલ હેતુ માટેની ઇમારતો, કોમ્પ્લેક્સ, દુકાનો, ઓફિસમાં આગ લાગી હોય તેવા કિસ્સામાં નિયત ચાર્જ વસુલવામાં આવશે. આ ઉપરાંત સરગાસણના બે પ્લોટના હેતુફેર અને સ્ટેટ ફાયર સવસિસ માટે ફાળવણી, સ્ટાફ નર્સના ભરતી નિયમોમાં સુધારા સહિતની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી. તો મહાનગરપાલિકા વિસ્તારમાં મંડપ ડેકોરેશનની કામગીરી માટે મંજૂર થયેલા ટેન્ડરની રકમમાં ૧૪ કરોડ રૃપિયાનો વધારો કરવા અને રાષ્ટ્રીય તહેવાર, સરકારી સમારંભ ઇવેન્ટ ખર્ચ તેમજ શાખાના અન્ય ખર્ચની ગ્રાન્ટ છ કરોડ રૃપિયા તથા સરકારી સમારંભ ખર્ચની ગ્રાન્ટ ૧૦ કરોડ રૃપિયા રિવાઇઝ કરવા અંગેની દરખાસ્તને પણ મંજુર કરવામાં આવી હતી.

