ગાંધીનગર શહેર નજીક આવેલા ચિલોડા ગામમાં ખેતરમાં ગયેલી મહિલાને પાડોશી ખેત માલિકે શાકભાજી લેવા માટે ખેતરમાં બોલાવીને છેડતી કરી હતી. જેના પગલે તેણીએ તાત્કાલિક પોલીસને જાણ કરતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ફરિયાદના આધારે આરોપી સામે ગુનો દાખલ કરી તપાસ શરૃ કરી હતી.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેર નજીક આવેલા ચિલોડા ગામમાં રહેતી મહિલા તેના સાસુ સસરા સાથે ખેતરમાં કામ કરવા માટે ગઈ હતી. આ દરમિયાન તેમણે પણ શાકભાજી ઉગાડી હોવાથી પાડોશી ખેત માલિકને શાકભાજી આપ્યું હતું.આ પાડોશી ખેડૂતે પણ મહિલાને તેના ખેતરમાંથી શાકભાજી લઈ જવા માટે કહ્યું હતું. જેથી સાસુ-સસરાની અનુમતિ મળતા આ મહિલા ખેતરમાં શાકભાજી લેવા માટે ગઈ હતી અને તે દરમિયાન આ ખેત માલિક દ્વારા તેનની છેડતી કરવામાં આવી હતી. એટલું જ નહીં અભદ્ર માગણી પણ કરી હતી. જેના પગલે મહિલાએ પ્રતિકાર કરીને ત્યાંથી દોડી ગઈ હતી અને ત્યારબાદ સમગ્ર ઘટના તેના સાસુ સસરાને વર્ણવી હતી. જેના પગલે ૧૧૨ હેલ્પલાઇન નંબરને જાણ કરવામાં આવતા પોલીસ તુરંત જ ખેતર ઉપર પહોંચી હતી અને ત્યારબાદ મહિલા પાસેથી સમગ્ર હકીકત મેળવીને તેણીની ફરિયાદના આધારે ખેત માલિક સામે છેડતીની કલમ હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

