ગાંધીનગર તાલુકાના સાદરા ગામની સીમમાં આવેલા આમળાના ખેતરમાં જુગાર રમાઇ રહ્યો હોવાની માહિતી મળવાના પગલે ચિલોડા પોલીસે રેડ પાડીને ચાર શખ્સોને બાજીમાં મુકેલા રૃપિયા ૨૧ હજારની રોકડ સાથે ઝડપી લીધા હતાં. જોકે ખુલ્લા ખેતરમાં બાજી માંડી હોવાથી પોલીસને જોઇ જઇને જુગાર રમાડતો મુખ્ય સુત્રધાર સહિતના ત્રણ શખ્સો દોટ મુકીને ભાગી છુટયા હતાં. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

સાદરા ગામની સીમમાં કલ્યાણપુરા, સાદરાનો રહેવશી હમિર ઉર્ફે સુમનજી ઉદજી ઠાકોર અને મહેશ ઉર્ફે મોહનજી ધુળાજી ચૌહાણ નામના શખ્સો બહારથી માણસોને બોલાવીને જુગાર રમાડતા હોવાની માહિતી ચિલોડા પોલીસને મળી હતી. જેના પગલે પોલીસની ટુકડી સીમમાં પહોંચી ત્યારે આમળાના ખુલ્લા ખેતરમાં આરોપીઓ કુંડાળુ વળીને જુગાર રમતા હતાં. જોકે પોલીસને જોઇને આરોપીઓે દોટ મુકી હતી. ત્યારે પોલીસે પીછો કરીને સાદરા ગામના જયેશ જુગાજી ચૌહાણ, દેવા નારાજી વણઝારા, મહેશ નારાયણભાઇ રાવલ અને માધવગઢના ગાભાજી કોયાજી ચૌહાણને ઝડપી લીધા હતાં. જ્યારે જુગાર રમાડનારા ઉપરોક્ત બે શઅખસો ઉપરાંતશીહોલી મોટી ગામનો રહેવાસી અશોકજી શનાજી ઠાકોર એમ ત્રણ શખ્સો ભાગી છુટવામાં સફળ રહ્યા હતાં. પોલીસે જુગારધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરી નાશી છુટેલા ત્રણ શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતાં.

