ગાંધીનગર જિલ્લામાં ગેરકાયદેસર રીતે રેતી ચોરી જતા તત્વો સામે તંત્ર દ્વારા ખાસ ડ્રાઈવ શરૃ કરવામાં આવી છે. જે અંતર્ગત છેલ્લા બે દિવસમાં ભૂસ્તર વિભાગ દ્વારા ૭ જેટલા ડમ્પર જપ્ત કરીને ૨.૧૦ કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ ડમ્પર માલિકો પાસેથી દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે.

તાજેતરમાં જ કલોલ ખાતે ગેરકાયદેસર રીતે રેતી ચોરી જતા ડમ્પરને પકડનાર મહિલા અધિકારી ઉપર હુમલો કરવાની ઘટના બહાર આવી હતી. જેના પગલે જિલ્લા કલેકટર મેહુલ દવે દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર રીતે રેતી ચોરી જતાં માફીઆઓ સામે કડક સાથે કાર્યવાહી કરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. જેથી મદદની ભૂસ્તરશાી પ્રણવ સિંહની સૂચનાને પગલે છેલ્લા બે દિવસથી ગાંધીનગર જિલ્લાના અલગ-અલગ વિસ્તારમાં ભૂસ્તર વિભાગ દ્વારા તપાસ ઝુંબેશ શરૃ કરવામાં આવી છે. ખાસ કરીને રાત્રિના સમયે ભૂસ્તર વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાએ જઈને વાહન ચેકિંગ કરીને ગેરકાયદેસર રીતે રેતી લઈ જતા ડમ્પરોને પકડવામાં આવી રહ્યા છે. જેમાં ગાંધીનગર તાલુકાના પેથાપુર મહુડી હાઇવે ઉપર આવેલા પીપળજ ગામ પાસેથી તેમજ ઉવારસદ સર્કલ પાસેથી ડમ્પર પકડી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગાંધીનગર શહેરના સેક્ટર ૨૬ અને ૨૭ પાસેથી પણ ગેરકાયદેસર રીતે રહેતી લઈ જતા ડમ્પર પકડવામાં આવ્યા હતા. બે દિવસ દરમિયાન ૭ જેટલા ડમ્પર કબજે કરીને કુલ ૨.૧૦ કરોડ રૃપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો તેમજ તેના માલિકો પાસેથી દંડ પણ વસૂલ કરવામાં આવ્યો હતો. આગામી દિવસમાં પણ તંત્ર દ્વારા આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.

