ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં અભ્યાસ અર્થે આવેલી 19 વર્ષીય યુવતીએ હોસ્ટેલના રૂમમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવને પગલે સાથી વિદ્યાર્થીઓમાં ભય અને શોકનો માહોલ ફેલાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક યુવતી પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના સાનિયાતાર ગામની રહેવાસી હતી. તે ગાંધીનગરના સેક્ટર-7 સ્થિત ચૌધરી કોલેજમાં અભ્યાસ કરતી હતી અને અહીંની જ હોસ્ટેલમાં રહીને પોતાનું ભવિષ્ય ઘડી રહી હતી. કોઈ અગમ્ય કારણોસર યુવતીએ પોતાની હોસ્ટેલના રૂમમાં જ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. ઘટનાની જાણ થતાં જ હોસ્ટેલ સંચાલકો અને સાથી વિદ્યાર્થીઓમાં દોડધામ મચી ગઈ હતી.
આ બનાવ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને રૂમનો કબ્જો લઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે.
પોલીસે હાલ આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આપઘાત પાછળના કારણને જાણવા માટે તપાસ શરૂ કરી છે. સાથી વિદ્યાર્થીઓ અને હોસ્ટેલ સ્ટાફની પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી આ દુઃખદ પગલા પાછળનું સાચું કારણ બહાર આવી શકે. આ ઘટનાને પગલે શૈક્ષણિક આલમમાં શોકની લાગણી પ્રસરી છે.

