ગાંધીનગર નજીક આવેલા પુન્દ્રાસણ ચાર રસ્તા પાસે બાઈક ઉપર જઈ રહેલા જલુંદ ગામના યુવાન સાથે અગાઉના ઝઘડાની અદાવત રાખીને ગામના જ ત્રણ શખ્સો દ્વારા આંખમાં મરચાની ભૂકી નાખીને હુમલો કરવામાં આવ્યો હતો. જે સંદર્ભે હાલ યુવાન સારવાર હેઠળ છે જ્યારે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરી છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર તાલુકાના ઝાલુંદ ગામમાં રહેતા જીતેન્દ્રસિંહ વિક્રમસિંહ વાઘેલા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, તે તેમનું બાઈક લઈને પુન્દ્રાસણ ગામના ચાર રસ્તાથી આદરજ જતા રોડ ઉપર પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન એક બાઈક ઉપર ત્રણ જેટલા શખ્સો આવ્યા હતા. જેમાં તેમના ગામના પ્રવિણસિંહ વિક્રમસિંહ વાઘેલા, દેવેન્દ્રસિંહ ઉર્ફે દેવરાજસિંહ વિક્રમસિંહ વાઘેલા અને સુરપાલસિંહ નામના ત્રણ વ્યક્તિઓએ તેમને ઊભા રાખ્યા હતા અને અગાઉના ઝઘડાની અદાવત રાખીને દેવેન્દ્રસિંહ દ્વારા તેમની આંખમાં મરચાની ભૂકી નાખવામાં આવી હતી. જેના કારણે જીતેન્દ્રસિંહને દેખાતું બંધ થઈ ગયું હતું. આ દરમિયાન પ્રવિણસિંહ અને સુરપાલસિંહ દ્વારા તેમના હાથમાં રહેલી લોખંડની પાઇપ અને ધોકા વડે જીતેન્દ્રસિંહ ઉપર હુમલો કરી દેવામાં આવ્યો હતો. જેના પગલે તેમના શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ધમકી આપી હતી કે હવે પછી જો અમારું નામ લીધું છે તો તને જીવતો રહેવા દઇશું નહીં. ત્યારબાદ આ શખ્સો ત્યાંથી ભાગી ગયા હતા. આ ઘટના બાદ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે જીતેન્દ્રસિંહને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર શરૃ કરવામાં આવી હતી. આ ઘટના અંગે પેથાપુર પોલીસ દ્વારા ત્રણ શખ્સો સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

