ગાંધીનગર જિલ્લાની દહેગામ તાલુકાની જીવરાજના મુવાડા પ્રાથમિક શાળાએ ભારતમાં પર્યાવરણીય શિક્ષણના ક્ષેત્રમાં મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ભારત સરકારના નવા અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય, આવાસ અને શહેરી વિકાસ મંત્રાલય, વર્લ્ડ ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ, કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી અને ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલના સંયુક્ત ઉપક્રમે આયોજિત ગ્રીન બિલ્ડિંગ કોંગ્રેસમાં આ શાળાને ‘ગ્રીન યોર સ્કૂલ’ કાર્યક્રમ અંતર્ગત પ્રથમ સ્થાન મળ્યું છે.

મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં શાળાને ત્રણ લાખ રૃપિયાનું પ્રોત્સાહન ઇનામ મળ્યું છે, જે પર્યાવરણીય પ્રોજેક્ટ્સના અમલીકરણ માટે વપરાશે. આ સિદ્ધિ બાળકોની નવીનતા અને શિક્ષકોના માર્ગદર્શનનું પરિણામ છે, જે દેશભરમાં ગ્રીન શિક્ષણને પ્રોત્સાહન આપશે.ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ (આઇજીબીસી) દ્વારા દર વર્ષે આયોજિત ‘ગ્રીન યોર સ્કૂલ’ કાર્યક્રમમાં આ વર્ષે દેશભરમાંથી ૭૨૦ શાળાઓએ રજિસ્ટ્રેશન કરીને ભાગ લીધો હતો.પ્રારંભિક પસંદગીમાં ટોચના ત્રણ સ્થાનો પર ગુજરાત, અરુણાચલ પ્રદેશ અને પુડુચેરીની શાળાઓ આવી હતી. આ ત્રણેય શાળાઓને ૨૬ નવેમ્બરના રોજ મુંબઈના પવાઈમાં આવેલા ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટમાં જ્યુરી સમક્ષ પ્રેઝન્ટેશન આપવાની તક મળી હતી.ગુજરાતની જીવરાજના મુવાડા પ્રાથમિક શાળાએ શિક્ષણ વિભાગ, સમગ્ર શિક્ષા ગુજરાત અને જિલ્લા પ્રોજેક્ટ ઓફિસના માર્ગદર્શન હેઠળ તૈયાર કરેલા ૧૧ નવીન વિચારો અને પ્રોજેક્ટ્સને રજૂ કર્યા હતા. આ પ્રેઝન્ટેશનમાં શાળાના વિદ્યાર્થીઓ મીત ઠાકોર, યામી ઠાકોર અને જીગ્નેશ ઝાલાએ મુખ્ય ભૂમિકા ભજવી, જેમાં વરસાદી પાણીનું સંગ્રહણ, વૃક્ષારોપણ, વેસ્ટ મેનેજમેન્ટ અને ઊર્જા બચત જેવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાગ લેનારી અન્ય શાળાઓ પણ પર્યાવરણીય પડકારોને ઉકેલવા માટેના અનોખા વિચારો રજૂ કરી રહી હતી.આ સફળતા પાછળ શાળાના આચાર્ય બિપીનભાઈ ગોસ્વામીનું માર્ગદર્શન ઉપરાંત જિલ્લા પ્રોજેક્ટ કો-ઓડનેટર ડો.પિયુષકુમાર પટેલ, સમગ્ર શિક્ષા ગુજરાતના નિરાલીબેન પઢિયાર અને જિલ્લા આકટેક્ટ કિંજલબેન પ્રજાપતિએ પણ મહત્વનું યોગદાન આપ્યું છે. પુરસ્કાર સમારંભમાં જીવરાજના મુવાડા પ્રાથમિક શાળાને પ્રથમ સ્થાન મળતાં ત્રણ લાખ રૃપિયાનું ઇનામ મળ્યું, જેનો ઉપયોગ શાળામાં નવા ગ્રીન પ્રોજેક્ટ્સ માટે કરવામાં આવશે.

