GANDHINAGAR : તલાટીઓને શ્વાન પકડવાની કામગીરીમાંથી અપાયો છુટકારો, ગેરસમજ બાદ કરાઇ ચોખવટ

0
32
meetarticle

સુપ્રીમ કોર્ટે ગુજરાત સહિત દેશની રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આદેશ કર્યો હતો કે સરકારી અને ખાનગી હૉસ્પિટલો, શૈક્ષણિક સંસ્થા અને રેલવે સ્ટેશન જેવાં જાહેર સ્થળોએથી રખડતાં શ્વાનને ખસેડવામાં આવે. તંત્રએ ગુજરાતનાં ગામડાંઓમાં આવેલી શાળા કે સરકારી સંસ્થાઓમાંથી શ્વાન દૂર કરવાની તેમજ માળખાકીય સુવિધા ઊભી કરવાની જવાબદારી તલાટી-મંત્રીઓને સોંપી હતી જે બાદ વિવાદનું વંટોળ ઊભું થયું હતું.

તલાટી કમ મંત્રીઓને રખડતા શ્વાન પકડવાના નથી પણ..

ત્યારે સમગ્ર મુદ્દે ચાલી રહેલી ગેરસમજ અંગે ગુજરાત સરકારે સત્તાવાર રીતે સ્પષ્ટતા કરી છે. રાજ્ય સરકારના સંલગ્ન વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરી ચોખવટ કરાઇ છે કે તલાટી કમ મંત્રીઓને રખડતા શ્વાન પકડવાની સીધી કામગીરી સોંપવામાં આવી નથી તેમની ભૂમિકા માત્ર અને માત્ર માહિતી એકઠી કરી વ્યવસ્થા ઊભી કરવાની છે. 

ગેરસમજ ફેલાતા ઉઠ્યો હતો વિરોધનો સૂર

સરકારી સૂત્ર પ્રમાણે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા દ્વારા સુઓમોટો રિટ પિટિશન (સિવિલ) નં. 05/2025માં 7 નવેમ્બર 2025ના રોજ મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો હતો. આ ચુકાદામાં દેશભરમાં રખડતા શ્વાનના હુમલા અને રખડતાં પશુના કારણે થતાં અકસ્માતોને ગંભીરતા લેવાનો નિર્દેશ કરવામાં આવ્યો હતો. જે બાદ રાજ્ય સરકારે તા. 18 નવેમ્બર 2025ના રોજ પરિપત્ર જાહેર કર્યો હતો કે જિલ્લા કક્ષાએ પશુપાલન વિભાગના નિયામક, તાલુકા કક્ષાએ પશુચિકિત્સક અને ગ્રામ પંચાયત કક્ષાએ તલાટી કમ મંત્રી નોડલ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી હતી. જેમાં ગેરસમજ ફેલાઈ હતી કે રખડતાં શ્વાન તલાટી કે જે તે કર્મચારીએ પકડવા પડશે. જેથી વિરોધનો સૂર રેલાયો હતો.આ અંગે અગાઉ સરકારના કાયદા વિભાગને અરજી કરવામાં આવી હતી. 

બાદમાં સરકારે ચોખવટ કરી છે કે તલાટી કમ મંત્રીઓને રખડતા શ્વાન પકડવાની કામગીરી કરવાની નથી. તેમની જવાબદારી માત્ર એટલી છે કે ગ્રામ પંચાયતમાં આવેલી સરકારી અને અર્ધસરકારી સંસ્થાઓ જેમ કે શાળાઓ, કોલેજો, હોસ્પિટલો, બસ સ્ટેન્ડ, જાહેર રમતગમત સંકુલો અને અન્ય જાહેર સ્થળોએ રખડતા શ્વાનના પ્રવેશને રોકવા માટે કરાયેલી વ્યવસ્થાઓ જ સુનિશ્વિત કરવાની રહેશે. જેમાં વાડ, બાઉન્ડ્રી વોલ, ગેટ્સ જેવા સુરક્ષા સૂચક સાધનોને છે કે નહીં તેની ખાતરી કરી તાલુકા કક્ષાના નોડલ અધિકારી તથા પશુચિકિત્સકને અહેવાલ સ્વરૂપે મોકલવાની રહેશે. જે બાદ શ્વાન પકડવાની કામગીરી પશુપાલન વિભાગ અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ કરશે. સરકારની આ ચોખવટ બાદ આકરા પાણીએ થયેલા તલાટીઓનો અસંતોષ ઓછો થાય તેવી શક્યતા છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here