ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્રે ધામક સ્થળોની પવિત્રતા અને શ્રદ્ધાળુઓના સ્વાસ્થ્યનું ધ્યાન રાખતાં રૃપાલ ગામે વરદાયિની માતાજી મંદિર તથા કપિલેશ્વર મહાદેવ મંદિરની આસપાસ વ્યાપક સ્વચ્છતા ઝુંબેશ ચલાવી હતી. આ અભિયાન દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે મંદિર પરિસરમાં ચાલતી દુકાનો અને લારી-ગલ્લાઓમાં વેચાતા ખાદ્ય પદાર્થોની આકસ્મિક તપાસ કરી, શ્રદ્ધાળુઓને સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત ખોરાક મળે તેની ખાતરી કરી હતી.

ગાંધીનગર તાલુકાના રૃપાલ ગામે વરદાયિની માતાજી મંદિરની આસપાસના વિસ્તારમાં જિલ્લા વહીવટી તંત્રની મહિલા અધિકારીઓના નેતૃત્વમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. મંદિર પરિસરને કચરામુક્ત કરવા સાથે ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનની ટીમે મંદિરની આજુબાજુની દુકાનો તથા લારી-ગલ્લાઓમાં વેચાતા પ્રસાદ, નાસ્તા અને અન્ય ખાદ્ય પદાર્થોના નમૂના લીધા હતા. બિસ્કિટ, ચિપ્સ, ચટણી, પાણીપુરી સહિતની વસ્તુઓની ગુણવત્તા, એક્સપાયરી ડેટ તથા સ્વચ્છતાની ચકાસણી કરવામાં આવી હતી. કોઈપણ અનિયમિતતા મળે તો કડક કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી હતી.કપિલેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં સ્વયંભૂ સ્વચ્છતા અભિયાન ચલાવાયું હતું. મંદિરની આસપાસના વિસ્તારમાં ફેંકાયેલો કચરો, પ્લાસ્ટિક તથા પૂજાના અવશેષોની સફાઈ કરવામાં આવી હતી. સાથે જ મંદિરે પૂજા-અર્ચના માટે વેચાતા ફૂલ, ધૂપ-દીવા, નારિયેળ, પ્રસાદ સહિતની વસ્તુઓના ભાવોની આકસ્મિક ચકાસણી કરવામાં આવી હતી. શ્રદ્ધાળુઓને લૂંટાતા અટકાવવા અને નિયમિત ભાવે વેચાણ થાય તેનું નિયમન કરવામાં આવ્યું હતું.જિલ્લા વહીવટી તંત્રના અધિકારીએ જણાવ્યું હતું કે, ધામક સ્થળોની પવિત્રતા જાળવવી અને શ્રદ્ધાળુઓના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા ન થાય તે માટે આવા અભિયાનો સતત ચાલુ રહેશે.આગામી દિવસોમાં અન્ય ધાર્મિક તથા પ્રવાસન સ્થળોની આસપાસ ફુડ સેફ્ટી, ભાવ નિયંત્રણ અને સ્વચ્છતાને લગતી ડ્રાઇવ ચલાવવામાં આવશે.

