ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રવિવારે આણંદ તાલુકાના નાવલી-દહેમી રોડ ઉપર આવેલી એક તમાકુની ખરીદીમાં છાપો મારીને વિદેશી દારૂના કટીંગનું રેકેટ ઝડપી પાડતા સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. પોલીસે ૩૫૦ વિદેશી દારૂની પેટીઓ, એક કન્ટેનર, બે ફોર વ્હીલર, એક એમપી, બે ટુ વ્હીલર સહિત રૂપિયા એક કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી સાત શખ્સોને ઝડપી પાડયા હતા. પોલીસે તેઓને આણંદ ગ્રામ્ય પોલીસ મથકના હવાલે કર્યા હતા.

આણંદ પાસેના હાડગોડ ગામનો કુખ્યાત બુટલેગર અને તડીપાર થયેલો બહાદુરસિંહ રાઠોડ ફરીથી આણંદ પંથકમાં સક્રિય થયો છે અને એક કન્ટેનરમાં મોટાપાયે વિદેશી દારૂનો જથ્થો મંગાવી નાવલી-દહેમી રોડ ઉપર આવેલી મુન્નાાભાઈ પટેલની તમાકુની ખરીદીમાં કટીંગ કરી રહ્યો હોવાની માહિતી ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને મળી હતી. જેથી પોલીસે છાપો મારતા તમાકુની ખરીદ ખાતેથી એક કન્ટેનર ઝડપાયું હતું, જેમાં તપાસ કરતાં પ્લાસ્ટિકના રોલની આડમાં લવાયેલી વિદેશી દારૂની પેટીઓ, એક ફોરલ્હીલર, એક છોટા હાથી ટેમ્પી જેવા વાહનોમાં વિદેશી દારૂની પેટીઓ મૂકી રહેલા સાત શખ્સો પોલીસે ઝડપી પાડયા હતા. જોકે બહાદુર સિંહ રાઠોડ ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. પોલીસે કન્ટેનર સહિતના વાહનોમાં તપાસ કરતા અંદાજે ૩૫૦ પેટી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વાહનો સહિત કુલ રૂપિયા એક કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આણંદ ગ્રામ્ય પોલીસે બહાદુરસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવતી ગેરકાયદેસર પ્રવૃત્તિને લઈ તેના વિરુદ્ધ તડીપારની દરખાસ્ત કરી એસડીએેમને મોકલી આપતા થોડા સમય પૂર્વે જ એસડીએમએ બહાદુરસિંહ રાઠોડને આણંદ, ખેડા સહિત પાંચ જિલ્લામાંથી તડીપાર કરતો હુકમ કર્યો હતો. તેમ છતાં તે છેલ્લા કેટલાક સમયથી ચોરી છુપીથી વડોદ નજીકના પોતાના ફાર્મમાં રહીને વિદેશી દારૂનું રેકેટ ચલાવતો હોવાનું ઉજાગર થયું છે. બીજી તરફ નાવલી-દહેમી રોડ ઉપર આવેલી તમાકુની ખરીદીમાં આણંદ ગ્રામ્ય પોલીસના નાક નીચે તડીપાર બુટલેગર દ્વારા વિદેશી દારૂનું કટીંગ ચાલી રહ્યું હોય પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે.

