GANDHINAGAR : પંચાયતના મહિલા સદસ્યને જાતિવિષયક અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી

0
50
meetarticle

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના વડવાસા ગામે ઘર આંગણે રસ્તા વચ્ચે ટ્રેક્ટર મુકવા જેવી સામાન્ય બાબતે ગ્રામ પંચાયતના મહિલા સદસ્ય અને તેમના પતિ સાથે ગાળાગાળી કરી, જાતિવિષયક અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના સામે આવી છે. આ અંગે દહેગામ પોલીસ મથકે એટ્રોસીટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, વડવાસા ગામના હનુમાનજી મંદિર પાછળ આવેલા વાલ્મીકી વાસમાં રહેતા રંજનબેન પ્રવીણભાઈ સોલંકી વડવાસા ગ્રામ પંચાયતના વોર્ડ નં. ૧ માં સદસ્ય તરીકે સેવા આપે છે અને પતિ સાથે મજૂરી કામ કરે છે. ગત રવિવારે રંજનબેન અને તેમના પતિ કામ પરથી ઘરે પરત ફર્યા ત્યારે તેમના ઘરના આંગણે જવાના રસ્તા પર લાકડા ભરેલું એક ટ્રેક્ટર-ટ્રોલી પડેલું હતું. રાત્રિના આશરે આઠ વાગ્યાના સુમારે ગામના જ કનુજી ચેનાજી ગોહિલ અને લાલાજી કનુજી ગોહિલ ટ્રેક્ટર પાસે આવ્યા હતા. જ્યારે રંજનબેન અને તેમના પતિએ કહ્યું કે, અમારા ઘરના રસ્તા આગળ ટ્રેક્ટર પડેલ છે. જેથી અમને આવવા જવામાં તકલીફ પડે છે, ત્યારે બંને શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા. જેમણે ઉશ્કેરાઈને બિભત્સ ભાષામાં ગાળો બોલવાનું શરૃ કર્યું હતું અને જાતિવિષયક અપશબ્દો બોલી કહ્યું હતું કે, અહીંયાથી આ ટ્રેક્ટર નહીં હટે. આટલેથી ન અટકતા, બંનેએ ધમકી આપતા કહ્યું હતું કે, જો અમારું નામ ફરીથી લીધું છે તો તમને જાનથી મારી નાખીશું. ઘટના સમયે હોબાળો થતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઝઘડો વધે નહીં તે માટે તેમણે ૧૧૨ હેલ્પલાઇન પર ફોન કરતા પોલીસ વાન આવી પહોંચી હતી, જેને જોઈને આ શખ્સો ટ્રેક્ટર લઈને ભાગી ગયા હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here