ગાંધીનગર શહેર નજીક આવેલા કોલવડા ગામમાં ભેંસને રીક્ષા અડી જવા જેવી નજીવી બાબતમાં બે પક્ષો વચ્ચે મારામારી થઈ હતી અને લાકડીઓ ઉછડી હતી. જે મામલે પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે છ વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે કોલવડા ગામમાં રહેતા હરપાલસિંહ મુકેશસિંહ વાઘેલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ બપોરે પોતાની ભેંસો લઈને ઘરે જતા હતા તે દરમિયાન સોનીપુર તરફથી આવતી એક રીક્ષા તેમની ભેંસને અડી ગઈ હતી. આ બાબતે રીક્ષા ચાલકને કહેવા જતાં, રીક્ષા ચાલક ફતેપુરાના સુજલજી વરસંગજી ઠાકોર તેમજ અન્ય બે મહિલા કુંવરબેન ઠાકોર અને જશીબેન ઠાકોર ઉશ્કેરાઈ ગયા હતા. સુજલજી ઠાકોરે રીક્ષામાંથી ધોકો લઈને હરપાલસિંહને ફેટ પકડી ગાળો બોલી માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ દરમિયાન વચ્ચે પડેલા જયદિપસિંહ પ્રવિણસિંહ વાઘેલાના ગળામાં પહેરેલ રૃદ્રાક્ષની સોનાના મણકાવાળી માળાને પણ નુકસાન પહોંચાડયું હતું તો ફતેપુરાના રહેવાસી અને રીક્ષા ચાલક સુજલજી વરસંગજી ઠાકોરે પણ ફરિયાદ નોંધાવી હતી કે તેઓ તેમની રીક્ષામાં જઈ રહ્યા હતા ત્યારે રસ્તા વચ્ચે જતી ભેંસોને તેમની રીક્ષા અડી જતાં કોલવડા ગામના જય ઉર્ફે ઉંધી વાઘેલા, હરપાલસિંહ મુકેશસિંહ વાઘેલા, અને મહિપાલસિંહ મુકેશસિંહ વાઘેલા ત્યાં આવી પહોંચ્યા હતા. આ ત્રણેય આરોપીઓએ ભેંસને રીક્ષા અડી જવા બાબતે તેમને અને તેમના પરિવારના સભ્યોને જેમ ફાવે તેમ ગાળો બોલી, લાકડી તથા ધોકા વડે માર માર્યો હતો. ઉપરાંત, રસ્તામાંથી ન નીકળવા બાબતે ગાળો દઈ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જેથી પોલીસ દ્વારા હાલ બંને પક્ષે ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી છે.

