ગાંધીનગર મહાનગરપાલિકાને ગુજરાત સરકારના ‘નિર્મળ ગુજરાત ૨.૦’ અભિયાન હેઠળ ૩ લાખથી ૧૦ લાખની વસ્તી ધરાવતી મહાનગરપાલિકાઓની શ્રેણીમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંક મળ્યો છે. આજે મહાત્મા મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કોર્પોરેશનના પદાધિકારી અધિકારીઓને એવોર્ડ આપવામાં આવ્યો હતો.

ભારત સરકારના સ્વચ્છ ભારત મિશનના ભાગરૃપે, રાજ્ય સરકાર દ્વારા નિર્મળ ગુજરાત ૨.૦ અભિયાન હેઠળ ‘મારું શહેર, સ્વચ્છ શહેર’ ત્રિમાસિક પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રતિયોગિતાના મૂલ્યાંકન માટે, સ્વચ્છ સર્વેક્ષણના તમામ નિર્ધારિત ઘટકોના આધારે, નિયુક્ત કરાયેલ થર્ડ પાર્ટી એજન્સી દ્વારા દર ત્રણ મહિને મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં સ્થળ તપાસ હાથ ધરવામાં આવી હતી અને તેમાં નાગરિકોના પ્રતિભાવોને પણ મહત્વ આપવામાં આવ્યું હતું. થર્ડ પાર્ટી એજન્સી દ્વારા રજૂ કરવામાં આવેલ ત્રિમાસિક રિપોર્ટ્સની રાજ્ય કક્ષાએથી ઝીણવટપૂર્વક ચકાસણી કરવામાં આવી હતી, જેના આધારે આજે મહાત્મા મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરપાલિકાને ત્રણ લાખથી દસ લાખ સુધીની વસ્તી ધરાવતા શહેરોમાં સ્વચ્છતા ક્ષેત્રે પ્રથમ નંબર જાહેર કરવામાં આવ્યો હતો. ગાંધીનગરને આ એવોર્ડની સાથે ઇનામ તરીકે ૧.૨૫ કરોડ રૃપિયા પણ મળ્યા છે. મેયર મીરાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ગૌરાંગ વ્યાસ અને મ્યુનિસિપલ કમિશનર જે.એન. વાઘેલાએ આ એવોર્ડ સ્વીકાર્યો હતો.મહાનગરપાલિકાએ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં આધુનિક ટેક્નોલોજી અપનાવી છે, જેના દ્વારા કચરાનું ૧૦૦ ટકા ડોર-ટુ-ડોર કલેક્શન અને વૈજ્ઞાાનિક પદ્ધતિથી પ્રોસેસિંગ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. સ્વચ્છતા અભિયાનમાં નાગરિકોની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે સઘન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેના પરિણામે નાગરિકો દ્વારા કચરાનું સોર્સ સેગ્રીગેશન વધારવામાં આવ્યું છે.

