ગાંધીનગર શહેર બાદ હવે ગ્રામ્ય વિસ્તારમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે ફિરોજપુરમાં બંધ મકાનના તાળા તોડીને તસ્કરો તેમાંથી ૨.૭૦ લાખ રૃપિયાની મત્તા ચોરીને ફરાર થઈ ગયા હતા જે સંદર્ભે હાલ ડભોડા પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને બાઈક ઉપર ફરાર થયેલા ત્રણ તસ્કરોની શોધખોળ શરૃ કરવામાં આવી છે.

પાટનગર ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે હવે ગ્રામ્ય વિસ્તારને તસ્કરો દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યો છે. હજી તો શિયાળાની શરૃઆત થઈ નથી તે પહેલા જ તસ્કરો દ્વારા ચોરીના ગુનાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે ત્યારે ગાંધીનગર શહેર નજીક આવેલા ફિરોજપુર ગામમાં જોગણી માતાજીના મંદિર પાછળ રહેતા ભરતજી મોહનજી જાદવ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, તેઓ હાલ તેમનું ગામનું મકાન બંધ કરીને ખેતરમાં પરિવાર સાથે રહે છે ત્યારે આજે વહેલી પરોઢે તેમના ગામના મકાનની સામે રહેતા વ્યક્તિ દ્વારા જાણ કરવામાં આવી હતી કે મકાનમાં ચોરી કરીને ત્રણ ઈસમો બાઇક ઉપર ભાગી ગયા છે અને મકાનના તાળા તૂટેલી હાલતમાં છે. જેના પગલે ભરતજી અને તેમના ભાઈ તુરંત જ ગામના ઘરે પહોંચ્યા હતા અને જોયું તો ત્રણે મકાનના દરવાજાના નકુચા તૂટેલી હાલતમાં હતા અને સામાન વેર વિખેર હાલતમાં પડયો હતો. તેમના કાકા ભુપતજીના મકાનની અંદર આવેલી લોખંડની તિજોરીમાંથી તસ્કરો સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળીને ૨. ૭૦ લાખ રૃપિયાની મત્તા ચોરીને ફરાર થઈ ગયા હતા. જેથી આ ઘટના સંદર્ભે ડભોડા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ચોરીનો ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા તસ્કરોને શોધવા માટે દોડધામ શરૃ કરી છે.

