ભારતીય સેનાએ પોતાની જરુરિયાતો પૂરી કરવા માટે અને આત્મનિર્ભરતા માટે શૈક્ષણિક સંસ્થાઓ તરફ નજર દોડાવી છે.જેના ભાગરુપે વડોદરા સ્થિત ભારતીય સેનાની ઈએમઈ સ્કૂલ અને ગાંધીનગર,આઈઆઈટી વચ્ચે એમઓયુ કરવામાં આવ્યું છે.

બંને સંસ્થાઓ વચ્ચે સંશોધન તેમજ શૈક્ષણિક આદાન પ્રદાન માટે આ જોડાણ થયું છે.આઈઆઈટી દ્વારા ઈનોવેશન, તાલીમ, ઈન્ટર્નશિપ, સંશોધન, સંસાધનનોના આદાન પ્રદાન તેમજ જોઈન્ટ રિસર્ચ પ્રોજેકટ દ્વારા ભારતીય સેનાની ચોક્કસ પ્રકારની જરુરિયાતો પૂરી પાડવા માટે પ્રયાસ કરાશે.
એમઓયુના કારણે ભારતીય સેનાના અધિકારીઓને પણ આઈઆઈટીમાં ચાલતા વિવિધ કોર્સમાં અભ્યાસ કરવાની, સેમિનાર, કોન્ફરન્સ અને વર્કશોપમાં ભાગ લેવાની તક મળશે.ભારતીય સેનાને શૈક્ષણિક ક્ષેત્રમાં રિસર્ચના વર્તમાન ટ્રેન્ડ અંગે પણ જાણકારી મળશે.
આત્મનિર્ભરતા માટે અને સ્વદેશી ટેકનોલોજીના વિકાસ માટે પણ આ જોડાણ મહત્વનો ભાગ ભજવશે તેમ ઈએમઈ સ્કૂલનું કહેવું છે.
