GANDHINAGAR : મતદારોના ખોટા ફોર્મ-૭ ભરાયાના વિવાદ વચ્ચે સુનાવણીની પ્રક્રિયા તેજ

0
10
meetarticle

એસઆઇઆરની પ્રક્રિયા અંતર્ગત ફોર્મ નંબર-૭ એટલે કે મતદાર યાદીમાંથી નામ કમી કરવાની કામગીરીને લઈને રાજ્યભરમાં પ્રશ્નાર્થ ઊભા થયા છે. ગુજરાતમાં પણ આ પ્રક્રિયા સામે વિપક્ષ ઉપરાંત જાગૃત નાગરિકોએ અવાજ ઉઠાવ્યો છે. અનેક મતદારોએ યોગ્ય રીતે નોંધાયેલા હોવા છતાં ખોટી રીતે મતદાર યાદીમાંથી નામ કમી થઈ ગયાના પુરાવા રજૂ કર્યા છે.તો બીજીબાજુ ગાંધીનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મેપિંગ ન થયેલા તેમજ લોજીકલી મેચ ન થતા મતદારો માટે સુનાવણીની પ્રક્રિયા શરૃ કરવામાં આવી છે.

ચૂંટણી તંત્ર દ્વારા આવા મતદારોને નોટિસ પાઠવીને જરૃરી પુરાવા સાથે હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠક માટે સેક્ટર-૧૫ સ્થિત કોલેજમાં આ સુનાવણી યોજાઈ રહી છે, જ્યાં મોટી સંખ્યામાં મતદારો પોતાની રજૂઆત કરવા પહોંચી રહ્યા છે. મતદારોને રહેઠાણ પુરાવા, પાસપોર્ટ, શાળા છોડયાના પ્રમાણપત્ર, બોર્ડ દ્વારા અપાતા ટ્રાયલ સર્ટી, અગાઉની મતદાર યાદી સહિતના દસ્તાવેજો સાથે હાજર રહેવા જણાવાયું છે.મહત્વનું છે કે ગાંધીનગર જિલ્લામાં અંદાજે ૩.૮૫ લાખ જેટલા મતદારોને નોટિસ આપવામાં આવી છે. જેમાં ફક્ત મેપિંગ ન થયેલા મતદારો જ નહીં પરંતુ લોજીકલી મેચ ન થતા મતદારોનો પણ સમાવેશ થાય છે.ચૂંટણી તંત્ર દ્વારા આ પ્રક્રિયાને ગંભીરતાથી લઈ વર્ગ-૧ના અધિકારીઓને મદદનીશ મતદાર નોંધણી અધિકારી તરીકે નિમવામાં આવ્યા છે. આ અધિકારીઓ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે અને દરેક કેસની અલગથી ચકાસણી કરવામાં આવી રહી છે. ચૂંટણી અધિકારીઓનું કહેવું છે કે કોઈ પણ યોગ્ય મતદારનું નામ અકારણ કમી ન થાય તે માટે પુરાવા આધારે નિર્ણય લેવામાં આવશે.પરંતુ વિપક્ષ અને નાગરિક સંસ્થાઓનું કહેવું છે કે આ પ્રકારની પ્રક્રિયા મતદારોમાં ગૂંચવણ અને અસુરક્ષા પેદા કરી રહી છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં મોટા પ્રમાણમાં મેપિંગ ભૂલો સામે આવી રહી છે, જે ચૂંટણી પૂર્વે ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે.ત્યારે જોવું રહ્યું કે સુનાવણી બાદ કેટલા મતદારોના નામ પુનઃમતદાર યાદીમાં સામેલ થાય છે અને આ સમગ્ર પ્રક્રિયા કેટલા પ્રમાણમાં ન્યાયસંગત અને પારદર્શી સાબિત થાય છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here