ગાંધીનગર જિલ્લાના માણસાના અનોડીયા ખાતે સાબરમતી નદીમાં વહેલી પરોઢે ભૂસ્તર વિભાગે દરોડો પાડીને રેતી ચોરીનો મોટું નેટવર્ક પકડી પાડયું હતું અને ૧૨ જેટલા વાહનો સાથે ૭૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો હતો. જોકે કેટલી રેતીની ચોરી થઈ છે તે જાણવા માટે હાલ અહીં માપણીની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી નદીઓમાં રેતી ચોરીની પ્રવૃત્તિ વધી રહી છે ત્યારે તેને અટકાવવા માટે ગાંધીનગર જિલ્લા કલેકટર મેહુલ દવે દ્વારા ભૂસ્તર વિભાગને સૂચના આપવામાં આવેલી છે. જેના અનુસંધાને મદદની ભૂસ્તરશાી પ્રણવસિંહ દ્વારા જિલ્લાની ખાણ ખનીજ વિભાગની ટીમોને અલગ અલગ વિસ્તારોમાં તપાસ કરવા માટે તાકીદ કરવામાં આવી છે ત્યારે આજે વહેલી સવારે માણસા તાલુકાના ડોડીપાળ અનોડીયા ખાતે સાબરમતી નદીમાં મોટા પ્રમાણમાં રેતી ચોરી થતી હોવાની માહિતી મળી હતી અને તેના પગલે ટીમ દ્વારા અહીં અંધારામાં જ દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં એક ટ્રેક્ટરમાં બકેટ લગાવીને સાદી રીતેનું લોડિંગ કરવામાં આવતું હતું તેમજ અન્ય ચાર ટ્રેક્ટર ખાલી હાલતમાં જ્યારે અન્ય પાંચ ટ્રેક્ટરને રેતી ભરેલી હાલતમાં ઝડપી લેવામાં આવ્યા હતા. આ તમામ બાર જેટલા વાહનોને કબ્જે કરીને શિહોલી ખાતે આવેલી ચેક પોસ્ટ ખાતે રાખવામાં આવ્યા છે. એટલું જ નહીં આ વિસ્તારમાં અત્યાર સુધી કેટલી રેતીની ચોરી કરવામાં આવી તે જાણવા માટે અહીં માપણીની પ્રક્રિયા પણ શરૃ કરવામાં આવી છે અને તેના આધારે આ વાહનોના માલિકો પાસેથી દંડ પણ વસૂલવામાં આવશે. જિલ્લામાં હાલ વધી રહેલી રેતી ચોરીની ઘટનાઓ બાદ ભૂસ્તર વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને પગલે રેતી માફિયાઓમાં પણ ફાફડાટ ફેલાઈ ગયો છે.

