ગાંધીનગર જિલ્લામાં ગેરકાયદે રેતી ખનન કરતા ખનીજમાફિયાઓ સામે તંત્ર આક્રમક મુડમાં છે. રવિવારે માણસા તાલુકાના માધવગઢ પાસે સાબરમતી નદીના પટ્ટામાં ભૂસ્તર તંત્રની ટીમે અચાનક દરોડો પાડતાં ગેરકાયેદ નદીમાંથી રેતીનું ખનન કરતા માફિયાઓના હોશ ઉડી ગયા અને દોડધામ મચી ગઇ હતી. આ કાર્યવાહીમાં બે હિટાચી મશીન, બે યાંત્રિક નાવડી અને નવ ડમ્પરો સહિત કુલ ૧૩ મશીનો-વાહનો જપ્ત કરવામાં આવ્યા છે, જેની કુલ કિંમત આશરે ૩.૭૬ કરોડ રૃપિયા થાય છે.

ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવેના માર્ગદર્શન અને મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સૂચના હેઠળ ગાંધીનગર જિલ્લા ભૂસ્તર વિજ્ઞાાન અને ખનિજ વિભાગની ક્ષેત્રીય ટીમે રવિવારે માધવગઢ નજીક સાબરમતી નદીપટ્ટ વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી. બાતમી મળી હતી કે અહીં સાદી રેતીનું ગેરકાયદે ખોદકામ અને વહન ચાલુ છે. ટીમ પહોંચતાં જ અહીં રેતીચોરોમાં દોડધામ મચી હતી. ભુસ્તર તંત્રની ટીમે અહીંથી બે મોટાં હિટાચી મશીન, બે યાંત્રિક નાવડી અને નવ ડમ્પરો રેતી ચોરી કરતા ઝડપી પાડયા હતા. ખોદકામ કરનારા ખનીજમાફિયાઓ અહીંથી નાસી છુટવામાં સફળ રહ્યા હતા જ્યારે તેમના મોંઘા સાધનો ભુસ્તર તંત્રની ટીમે કબ્જે કરી લીધા છે. પરંતુ તમામ મશીનો અને વાહનોને કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં સીલ કરીને મૂકી દેવામાં આવ્યા છે.આ અંગે અધિકારીએ જણાવ્યું કે, માધવગઢ-સાબરમતી વિસ્તારમાં લાંબા સમયથી ગેરકાયદે રેતી ખનનની ફરિયાદો મળી રહી હતી. હવે વધુ તપાસ ચાલુ છે અને તપાસ પૂર્ણ થતાં જ આ મશીનો-વાહનોના માલિકો સામે ગુજરાત મિનરલ નિયમો-૨૦૧૭ હેઠળ ભારે દંડ તથા કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.એટલુ જ નહીં, નદીના જે વિસ્તારમાં ખનન કરવામાં આવ્યું છે ત્યાંનું મેપિંગ કરવામાં આવશે અને આ વાહનોના માલિકને પાસેથી આ દંડની રમક વસુલવામાં આવશે.

