ગાંધીનગર શહેરની રચના માટે મહામૂલી જમીન આપનાર સાત ગામના વર્ષોે જૂના પ્રશ્નો હજી સુધી ઉકેલાયા નથી ત્યારે આજે મોટી સંખ્યામાં ગ્રામજનો બેનરો સાથે સચિવાલય, કોર્પોેરેશન અને કલેક્ટર કચેરીએ ઉમટયા હતા અને વિરોધ દર્શાવ્યો હતો. જોકે સત્વરે તેમના પ્રશ્નો ઉકેલવામાં નહીં આવે તો આગામી દિવસોમાં મોટું આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી હતી.

ગાંધીનગર શહેરની રચના કરવામાં આવી ત્યારે આસપાસના પાલજ,બાસણ, ઇન્દ્રોડા, ધોળાકુવા બોરીજ, આદીવાડા, ફતેપુરા જેવા ગામોની જમીન સંપાદિત કરવામાં આવી હતી. જોકે શહેર માટે પોતાની મહામૂલી જમીન આપી દેનાર આ ગ્રામજનોની હાલત હાલ ખૂબ જ ખરાબ છે. છેલ્લા ઘણા વર્ષોથી તેમની વિવિધ પડતર માગણીઓ સંદર્ભે કોઈ જ નિર્ણય લેવામાં આવતો નથી ત્યારે આજે તેમની માગણીઓને લઈ વિવિધ બેનરો સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો ગાંધીનગરમાં આવી ગયા હતા અને સચિવાલય, કલેકટર કચેરી, મહાનગરપાલિકા સહિત અન્ય કચેરીઓમાં જઈને વિરોધ નોંધાવ્યો હતો. અસરગ્રસ્ત વસાહત મહામંડળના પ્રમુખ ભરતસિંહ બિહોલાએ જણાવ્યું હતું કે, અમારી માગણી છે કે, આ ગ્રામજનો જ્યાં વર્ષોથી રહે છે, તે જગ્યાને કાયમ માટે રહેવાસી પ્લોટ તરીકેની માન્યતા આપવામાં આવે. આ ગામોને કાયદેસર રીતે ગામતળનો દરજ્જો આપી તેના વહીવટી અને વિકાસના પ્રશ્નોનું કાયમી નિરાકરણ લાવવામાં આવે. સરદાર સરોવર યોજનાના અસરગ્રસ્તની જેમ જમીન અને પ્લોટ આપવા. અસરગ્રસ્ત ખેડૂતોને ફાળવવામાં આવેલી ચીપ ટાઈપની દુકાનો ભાડા પદ્ધતિથી નહીં પરંતુ માલિકી હકથી આપવામાં આવે. ગાંધીનગર શહેરના સમકક્ષ સુવિધાઓ આપવા માટે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ તેમની માંગણીઓ સંદર્ભે કોઈ જ નિર્ણય લેવામાં આવતો નથી. અગાઉ મુખ્યમંત્રીની હાજરીમાં બેઠકો થઈ હતી અને તેમણે સંબંધિત અધિકારીઓને કાર્યવાહી કરવા માટે સૂચના આપી હતી પરંતુ તેમાં પણ કોઈ નિર્ણય લેવાયો નથી. જેના કારણે આજે ના છુટકે પોતાની માગણીઓ સંતોષવા માટે ગ્રામજનો દ્વારા ગાંધીનગરમાં આવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. જો હજી પણ તેમની માગણીઓ સંદર્ભે નિર્ણય નહીં લેવામાં આવે તો ગાંધીનગરમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.

