ગાંધીનગરના ચિલોડાથી હિંમતનગરને જોડતા હાઇ વે પર વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા નહીં હોવાની તંત્રની પોલ ખુલી ગઇ છે. માવઠાના વરસાદ બાદ શિહોલી પાસેના બ્રિજની આસપાસ એક કિલોમીટર ઉપરાંત લંબાઇમાં રોડ પાણીમાં ગરકાવ થવાથી વાહન પરિવહન માટે વ્યાપક સમસ્યા સર્જાઇ છે. મુખ્ય માર્ગની સાથે સર્વિસ રોડ પર પાણી ભરાતાં ધંધાર્થીઓ, રહેવાસીઓ પણ ત્રાહિમામ્ પોકારી ગયાં છે.

હેવી વ્હિકલ્સ સહિતના વાહનોથી દિવસ રાત ધમધમતા રહેતા ચિલોડા-હિંમતનગર હાઇ વે પર સર્જાયેલી સ્થિતિ સંબંધમાં ગ્રામવાસીઓ દ્વારા તંત્રને ફરિયાદ કરવામાં આવ્યા બાદ પણ કોઇ નિરાકરણ નહીં આવવાથી સ્થાનિક વિસ્તારમાં ભારે આક્રોષની પરિસ્થિતિનું સર્જન થયું છે. કેમ, કે અહીં પાણીના તળાવ ભરાયા જેવા દશ્યો સર્જાયા પછી પણ તેનો નિકાલ કરવાની દિશામાં કોઇ પગલા ભરવામાં આવ્યાં નથી. જો થોડા વધારે સમય માટે આ સ્થિતિ જેમની તેમ રહેશે તો બંધિયાર પાણીના પગલે રોગચાળાને આમંત્રણ આપાવા જેવું થશે. જેનો ભોગ નિર્દોષ પ્રજા બનશે. અહીં એટલી હદે પાણી ભરાયા છે, કે સિક્સ લેન એટલે, કે ખુબ પહોળો રસ્તો હોવા છતાં રોડનું નામોનિશાન દેખાવાના બદલે માત્ર પાણી પાણી દેખાય રહ્યાં છે. ગ્રામવાસીઓ દ્વારા આ મુદ્દે સરપંચથી લઇને સ્થાનિક તંત્ર સુધી આ સમસ્યાનું તુરંત નિવારણ લાવવા ફરિયાદો કરી છે. સવસ રોડ પર પણ પાણી ભરાયા હોવાથી નજીકમાં રહેતા વસાહતીઓ માથે જોખમ તોળાવાની સાથે દુકાનદારો સહિતના વેપારીઓ મુશ્કેલીમાં મુકાઇ ગયાં છે.

