ગાંધીનગર જિલ્લાના કલેક્ટરે આજે શેરથા ગામની મુલાકાત લીધી અને ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધીને તેમના પ્રશ્નો સાંભળ્યા હતા જેમાં ગ્રામજનોએ ગામમાં ગંદકી, આંતરિક રસ્તાની સાથે હાઇવે પર જવાનો માર્ગ અકસ્માત ઝોન બની ગયો છે તે અંગે કલેક્ટરને ફરિયાદ કરી હતી.ગ્રામજનોના આ મહત્વના પ્રશ્નો અંગે ત્વરિત કાર્યવાહી કરવા માટે કલેક્ટર દ્વારા હાજર અધિકારી-વિભાગના કર્મચારીઓને સુચના આપી હતી.

ગાંધીનગર કલેક્ટર આજે શેરથા ગામની ગ્રામપંચાયત ખાતે પહોંચીને તલાટી દફતરની વિગતવાર તપાસણી કરી હતી. અરજદારો સાથે રૂબરૂ વાતચીત કરીને તેમને મળતી સેવાઓ, સલામતી અને યોજનાકીય લાભો અંગે માહિતી મેળવી હતી. ગામના રસ્તા-રોડ, સ્વચ્છતા અને અન્ય ગ્રામ્ય સુવિધાઓમાં વધારો કરવા માટે ઉપસ્થિત લોકો સાથે ચર્ચા કરીને હાજર અધિકારીને સુચના આપવામાં આવી હતી.ખાસ કરીને સ્વચ્છતા અને રોડના મુદ્દે વધુ ભાર મૂકતાં સંબંધિત અધિકારીઓને ત્વરિત કાર્યવાહીના નિર્દેશ આપ્યા હતા.આ ચર્ચામાં રજૂ થયેલા પ્રશ્નોને વિભાગીય અધિકારીઓ સાથે ચર્ચા કરીને આયોજનબદ્ધ રીતે ઉકેલવા માર્ગદર્શન આપ્યું હતું. કલેક્ટરે શેરથા ગામના સરકારી શાળાના મકાન, આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી અને ગ્રામપંચાયત જેવા સ્થળોએ રૂબરૂ જઈને સેવાઓની ગુણવત્તા તપાસી હતી અને જરૂરી સુચનો કર્યા હતા.

