ગાંધીનગર શહેર નજીક આવેલા પેથાપુર પંથકના ગામોમાં રહેતી સગીરા સાથે સોશિયલ મીડિયા ઉપર સંપર્ક કરીને યુવાન તેનું અપહરણ કરી ગયો હતો અને બનાસકાંઠા જિલ્લામાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો ત્યારે પોલીસે સગીરાને મુક્ત કરાવી છે અને આરોપીની શોધખોળ શરૃ કરી હતી.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેર નજીક આવેલા પેથાપુર પંથકમાંં રહેતી સગીરા મૂળ બનાસકાંઠા વિસ્તારની છે. જ્યારે અહીં રહેતો યુવાન પણ તેના વતન તરફનો હોવાથી બંને વચ્ચે સોશિયલ મીડિયા ઉપર સંપર્ક થયો હતો અને એકબીજાના પરિચયમાં આવ્યા હતા. બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી અને ત્યારબાદ પ્રેમ થઈ ગયો હતો ત્યારે આ સગીરા અચાનક ઘરેથી લાપતા થઈ જતા પરિવારજનો દ્વારા શોધખોળ શરૃ કરવામાં આવી હતી અને દરમિયાનમાં જાણવા મળ્યું હતું કે, નજીકમાં રહેતો યુવાન પણ લાપતા છે. જેથી તેણે જ સગીરાનું અપહરણ કર્યું હોવાનું લાગ્યું હતું અને આ સંદર્ભે પેથાપુર પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી. જેના પગલે પોલીસ દ્વારા સગીરા અને આરોપી યુવાનની શોધખોળ શરૃ કરવામાં આવી હતી. દરમિયાનમાં બનાસકાંઠા ખાતેથી સગીરા પોલીસને મળી આવી હતી જ્યારે આરોપી યુવાન હજી સુધી મળ્યો નથી. સગીરાની પૂછપરછમાં બહાર આવ્યું હતું કે યુવાન દ્વારા તેમની સાથે મરજી વિરુદ્ધ બળાત્કાર પણ ગુજારવામાં આવ્યો છે. જેના પગલે પોલીસ દ્વારા પોક્સો અને બળાત્કાર સહિતની કલમો હેઠળ યુવાન સામે ગુનો દાખલ કરીને તેની શોધખોળ શરૃ કરવામાં આવી છે.

