GANDHINAGAR : સરકારી શાળાના આચાર્ય વિવેકભાન ભૂલ્યાં ઃ વિદ્યાર્થીઓને લમધારી નાંખ્યાં

0
49
meetarticle

ગાંધીનગરના વાવોલ વિસ્તારની સરકારી પ્રાથમિક શાળામાં બાળકોએ ઝાડમાં ફસાયેલી પતંગ ઉતારવા ફેંકેલા પથ્થરથી ગાડીનો કાંચ ફૂટી જવાથી વિવેકભાન ભુલેલા આચાર્યએ વિદ્યાર્થીઓને માર માર્યાનો કિસ્સો ચર્ચાનો વિષય બન્યો છે. પિડીત બાળકોના વાલીઓએ આ બનાવના પગલે શાળા પર આવીને હોબાળો મચાવી દઇ આચાર્યને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. દરમિયાન શાસનાધિકારીએ તપાસનો આદેશ આપ્યો છે.

બાળકોને માર મારવામાં આવ્યો હોવાથી વાલીઓએ શાળાને માથે લીધી હતી. ત્યારે શાળામાં હાજર રહેવાના બદલે આચાર્ય દેવેન્દ્રભાઇ પટેલે પલાયનનો રસ્તો અપનાવતા વાલીઓ વધુ બગડયા હતાં. બીજી બાજુ શાળામાં હાજર અન્ય શિક્ષકો અને સ્ટાફ દ્વારા પણ યોગ્ય ખુલાસો આપવાના બદલે વાણઈ પરનો સંયમ ગુમાવીને ઉદ્ધતાઇભર્યા જવાબો આપ્યાના પગલે મામલો બિચક્યો હતો. જોકે વાલીઓ દ્વારા કાયદો હાથમાં લેવાની કોઇ પ્રવૃતિ કરવામાં આવી ન હતી. પરંતુ ભારે દલીલબાજી પર સ્વાભાવિક રીતે ઉતરી આવ્યા હતાં. વાલીઓ દ્વારા જણાવવામાં આવ્યું, કે ક્યા છોકરાએ ફેંકેલા પથ્થરથી ગાડીનો કાંચ ફૂટયો છે, તે જાણવાની પણ દરકાર નહીં કરીને આચાર્ય દ્વારા ધોરણ ૬ઠ્ઠા, ૭માં અને ધોરણ ૮માંના બાળકોને બોલાવીને લાઇનમાં ઉભા કરી દઇ તમામને લાફા, થપ્પડો મારી દીધા હતાં. વાલીઓ દ્વારા તો માસુમ બાળકોને બેરહેમીથી માર મારવામાં આવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બાળકોના મ્હોં, વાંસા સહિતના ભાગે આચાર્યના હાથના પંજાના સોળ ઉઠી આવ્યા હતાં.

વાલીઓને સાંભળવાની સાથે ધોરણસરની તપાસ કરાશે

મહાપાલિકા વિસ્તામાં આવેલી વાવોલની સરકારી પ્રાથમિક શાળામાં એચટાટ આચાર્ય દ્વારા ધોરણ ૬થી ૮ના વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યાના કિસ્સા સંબંધે ગાંધીનગર શહેરના શાશનાધિકારી પૂવશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું, કે પિડીત વિદ્યાર્થીઓના વાલીઓને સાંભળવામાં આવશે અને આચાર્ય સામે ધોરણસરની તપાસ કરવામાં આવશે. નોંધવું રહેશે, કે વિદ્યાર્થીઓને માર મારવાની મનાઇ છે અને તેમ કરવાને કાયદાથી ગુનો પણ ગણવામાં આવ્યો છે.

લાજવાને બદલે ગાજ્યા ઃ શાળામાંથી કાઢી મુકવાની ધમકી

શાળામાં અભ્યાસ કરતા બાળકો પર હાથ ઉપાડવાની સદંતર મનાઇ કરવામાં આવી હોવા છતાં વાવોલની સરકારી પ્રાથમિક શાળામાં આચાર્ય દ્વારા બાળકોને માર માર મારવામાં આવ્યા બાદ બાળકોને ઘરે જઇને વાત નહીં કરવાની ધમકી અપાઇ હતી. જેમાં વિદ્યાર્થીઓને એમ કહીને ડરાવવામાં આવ્યા હતાં, કે ઘરે વાત કરશો, તો શાળામાંથી કાઢી મુકવામાં આવશે. માર પડયા બાદ ધમકી પણ મળવાથી બાળકો ખુબ ડરી ગયા હોવાનો વાલીઓ દ્વારા આક્ષેપ કરાયો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here