GANDHINAGAR : સુશાસનના 4 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નમો લક્ષ્મી યોજના હેઠળ ₹1000 કરોડથી વધુની અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત ₹161 કરોડથી વધુની આર્થિક સહાયની ચૂકવણી

0
110
meetarticle

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનને 4 વર્ષ પૂર્ણ થયા છે. આ દરમ્યાન મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ થયેલી ગુજરાતની વિકાસયાત્રાને સતત આગળ ધપાવી છે. વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત @2047ના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ સાથે રાજ્યના વિદ્યાર્થીઓને અમૃતકાળમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત ભવિષ્યલક્ષી શિક્ષણ મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં માર્ચ 2024માં બે નવી યોજનાઓ જાહેર કરવામાં આવી હતી- નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના.

ઉલ્લેખનીય છે કે, નમો લક્ષ્મી યોજના હેઠળ અત્યારસુધીમાં 10.49 લાખથી વધુ વિદ્યાર્થીનીઓને ₹1000 કરોડથી વધુની આર્થિક સહાય અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત 1.50 લાખથી વધુ વિદ્યાર્થીઓને ₹161 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે.

નમો લક્ષ્મી યોજના: ધો-9થી 12માં અભ્યાસ માટે ચાર વર્ષોમાં મળે છે કુલ ₹50 હજારની સહાય

પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી આર્થિક અક્ષમતાઓને કારણે રાજ્યની દીકરીઓને શિક્ષણ છોડી ન દેવું પડે અને વધુ ને વધુ દીકરીઓ પોતાનું સંપૂર્ણ શાળાકીય શિક્ષણ પૂર્ણ કરે તેવા ઉદ્દેશથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નમો લક્ષ્મી યોજનાની શરૂઆત કરી હતી. યોજના હેઠળ, રાજ્યની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને આ સહાય મળવાપાત્ર છે. જો વિદ્યાર્થિનીઓને સરકારની અન્ય કોઈ યોજના હેઠળ સ્કોલરશિપનો લાભ મળતો હોય તો પણ આ યોજનાનો લાભ વધારાના લાભ તરીકે મળવાપાત્ર છે.

નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ 9થી 12માં અભ્યાસ કરવા માટે વિદ્યાર્થિનીઓને આ ચાર વર્ષ દરમિયાન કુલ ₹50 હજારની આર્થિક સહાય આપવામાં આવે છે. નમો લક્ષ્મી યોજના શરૂ થયેથી અત્યારસુધીમાં રાજ્યની 10.49 લાખથી વધુ વિદ્યાર્થીનીઓને ₹1000 કરોડથી વધુની આર્થિક સહાયની ચૂકવણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યની વિવિધ શાળાઓ દ્વારા આ યોજનાના સુચારૂ સંચાલન માટે અલાયદું ‘નમો લક્ષ્મી પોર્ટલ’ અમલી કરવામાં આવ્યું છે.

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના: વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળે છે ધો-11 અને 12 માટે કુલ ₹25,000ની સહાય

રાજ્યના વિદ્યાર્થીઓને ધોરણ 11-12માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા માટે પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અમલી બનાવવામાં આવી છે. જે વિદ્યાર્થીઓ ધોરણ-10ની બોર્ડ પરીક્ષામાં 50% કે તેથી વધુ ગુણ મેળવીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) અથવા કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) ની માન્યતા પ્રાપ્ત રાજ્યની સરકારી, અનુદાનિત અને સ્વ-નિર્ભર શાળાઓમાં ઉચ્ચતર માધ્યમિકમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવે તેવા વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ આર્થિક સહાય મળવાપાત્ર છે.

નમો સરસ્વતી યોજના હેઠળ ધો-11 અને 12માં વિજ્ઞાન પ્રવાહમાં ભણતા વિદ્યાર્થીઓને બે વર્ષ દરમિયાન કુલ ₹25,000ની આર્થિક સહાય આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના’ શરૂ થયેથી અત્યારસુધીમાં રાજ્યના 1.50 લાખથી વધુ વિદ્યાર્થીઓને ₹161 કરોડથી વધુની સહાયની ચૂકવણી કરવામાં આવી છે. ગુજરાતની શાળાઓ દ્વારા આ યોજનાના સુચારૂ સંચાલન માટે ‘નમો સરસ્વતી પોર્ટલ’ અમલી કરવામાં આવ્યું છે.

ગુજરાત સેમિકંડક્ટર, હરિત ઊર્જા અને ડિજિટલ સાયન્સ જેવા ક્ષેત્રોનું હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે, ત્યારે આ ક્ષેત્રો માટે ભવિષ્યમાં કુશળ તકનીકી કાર્યબળની મોટા પાયે માંગ ઊભી થશે. આ માટે જરૂરી છે, કે વધુ ને વધુ વિદ્યાર્થીઓ ધો-11 અને 12માં વિજ્ઞાન પ્રવાહની પસંદગી કરે. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના થકી વિજ્ઞાન અને ટેક્નોલૉજીમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ અને રોજગારની તકો સુનિશ્ચિત કરવામાં આવશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here