GANDHINAGAR : ૨૫૧ કરોડનું આંધણ છતાં નવી ગટર લાઈનનું કામ ત્રણ વર્ષે પણ પૂરું નહીં

0
20
meetarticle

રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરમાં વર્ષો જૂની ગટર લાઈન બદલવા માટે કોર્પોરેશનના સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ સરકારના માર્ગ અને મકાન વિભાગને કામગીરી સોંપવામાં આવી હતી અને ટેન્ડર પ્રક્રિયાને અંતે ૨૫૧ કરોડ રૃપિયાનું ટેન્ડર મુંબઈની ખિલારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડને આપવામાં આવ્યું હતું. જોકે બે વર્ષના સમયગાળામાં સંપૂર્ણ કામગીરી પૂરી કરવા તાકીદ કરવામાં આવી હતી પરંતુ ત્રણ વર્ષે પણ આ કામ પૂરું થયું નથી. એટલું જ નહીં ગુણવત્તા વગરના કામને કારણે ગાંધીનગરના રહીશો સ્માર્ટ સિટીના બદલે ખાડા નગરીમાં રહેતા હોય તેવો અનુભવ કરી રહ્યા છે. એજન્સીની ગંભીર બેદરકારી છતાં સરકાર હજી સુધી આ એજન્સી સામે કોઈ જ કડક પગલાં ભરી શકી નથી.

ગાંધીનગર શહેરની રચના કરવામાં આવી ત્યારે ૫૦ વર્ષ અગાઉ ગટર લાઈન નેટવર્ક ઊભું કરવામાં આવ્યું હતું પરંતુ સેક્ટરોમાં ગટરો ઉભરાવવાની વ્યાપક ફરિયાદોના પગલે મહાનગરપાલિકાના સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ સમગ્ર ગટર લાઈનના નેટવર્કને જ બદલી નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને તેના પગલે ગુજરાત સરકારના માર્ગ મકાન વિભાગ હસ્તક આવતા પાટનગર યોજના વિભાગને આ ગટર લાઈન બદલવા માટેની કામગીરી કરવા નિયત કરવામાં આવી હતી ટેન્ડર પ્રક્રિયાને અંતે મુંબઈની ખિલારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડને આ કામ વર્ષ ૨૦૨૨માં આપવામાં આવ્યું હતું. જોકે ૨૦૨૪ના ડિસેમ્બર સુધીમાં સમગ્ર ગાંધીનગરમાં કામગીરી પૂર્ણ કરી દેવા માટે પણ તાકીદ કરવામાં આવી હતી પરંતુ નબળી ગુણવત્તાનું કામ કરનાર અને ફક્ત મજૂરોના હવાલે સમગ્ર પ્રોજેક્ટને મૂકી દેનાર એજન્સીને ત્રણ ત્રણ વખત મુદત વધારી આપવામાં આવી હતી. ૨૦૨૪ને બદલે હવે ૨૦૨૬ પણ શરૃ થઈ ગયું છે તેમ છતાં એજન્સી દ્વારા ગાંધીનગરમાં કામગીરી પૂરી કરવામાં આવી નથી. એટલું જ નહીં સેક્ટરોમાં ખોદકામ બાદ યોગ્ય પુરાણ નહીં કરવામાં આવતું હોવાની પણ ફરિયાદ વ્યાપક બની છે. મહાનગરપાલિકા દ્વારા આ સંદર્ભે સરકારને પણ અનેકવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ સરકાર દ્વારા હજી સુધી આ એજન્સી સામે કોઈ જ પગલાં ભરવામાં આવ્યા નથી. મુંબઈની આ એજન્સી ગાંધીનગર જ નહીં પરંતુ અમદાવાદમાં પણ મોટા કામ કરી રહી છે તેમછતાં સુપર વિઝનના અભાવે નબળી ગુણવત્તાનું કામ કરવા છતાં તેનો કાન આંબળવાની હિંમત કોઈ દાખવતું નથી. હાલ તો છેલ્લા ત્રણ વર્ષથી ગાંધીનગરના નાગરિકો સ્માર્ટ સિટી બનેલા ગાંધીનગરને ખાડા નગરી તરીકે ઓળખાવી રહ્યા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here