આજે ગાંધીનગર યુનિવર્સિટીનો પ્રથમ કોન્વોકેશન કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો. આ ઐતિહાસિક કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય ઔદ્યોગિક મંત્રી એચ. ડી. કુમારસ્વામી હાજર રહ્યા હતા. તેમની પ્રેરક ઉપસ્થિતિથી વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટી પરિવારમાં ઉત્સાહનો માહોલ છવાયો હતો.ગાંધીનગર યુનિવર્સિટીના કુલપતિ અને અન્ય મહાનુભાવોની હાજરીમાં આયોજિત આ સમારોહમાં કુલ 500 વિદ્યાર્થીઓને તેમની મહેનતથી મેળવેલી ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. આ ડિગ્રી મેળવનાર વિદ્યાર્થીઓના ચહેરા પર ભવિષ્યની નવી શરૂઆતનો આનંદ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો હતો.
આ કોન્વોકેશનમાં ઉત્કૃષ્ટ શૈક્ષણિક પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં, 10 તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપીને બિરદાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન બદલ 7 મહાનુભાવોને ડૉકટરેટની (D.Litt/Ph.D.) પદવી પણ એનાયત કરવામાં આવી હતી.

કેન્દ્રીય મંત્રી એચ. ડી. કુમારસ્વામીએ વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે, યુવાનો દેશના વિકાસનો પાયો છે. શિક્ષણ એ માત્ર ડિગ્રી મેળવવાનું માધ્યમ નથી, પરંતુ રાષ્ટ્ર નિર્માણ માટે જવાબદાર અને સક્ષમ નાગરિક બનવાનું પગથિયું છે. તેમણે વિદ્યાર્થીઓને નવીનતા અને ઉદ્યોગસાહસિકતાના માર્ગે આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
ગાંધીનગર યુનિવર્સિટીના વાઈસ પ્રેસિડેન્ટ વિનીતા રોહેરાએ જણાવ્યું હતું કે, ગાંધીનગર યુનિવર્સિટીની એક વિશેષતા એ છે કે, અહીં ગ્લોબલ સિલેબસ (વૈશ્વિક અભ્યાસક્રમ) આધારિત શિક્ષણ આપવામાં આવે છે, જે વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરવા માટે સક્ષમ બનાવે છે. યુનિવર્સિટીએ તેના પ્રથમ કોન્વોકેશન દ્વારા શિક્ષણ અને સંશોધનના ક્ષેત્રમાં પોતાની મજબૂત ઓળખ સ્થાપિત કરી છે.
