માણસા તાલુકાના આજોલ ગામે ઘેટાં લઇને ચર્યાણ અર્થે આવેલા રાજસ્થાનના સિરોહી જિલ્લાના કૂગની ગામના પશુપાલક માથે આભ તૂટી પડયા જેવો બનાવ બન્યો હતો. જેમાં એરંડાના પાન ખાઇ જવાના કારણે ૧૨ ઘેટાંના ટપોટપ મોત થઇ ગયા હતાં. આ બનાવના પગલે સ્થળ પર દોડી જઇને પશુ ચિકિત્સા અધિકારીએ પોસ્ટ મોર્ટમ કરતાં જઠરમાંથી રીસીન પોઇઝન મળ્યુ હતું. જોકે સારવાર આપીને બે ઘેટાંનો જીવ બચાવી શકાયો હતો.

તારીખ ૨૭મીએ બપોરે ૨.૪૫ વાગ્યાના અરસામાં માણસા તાલુકાના આજોલ, રણછોડપુરા ગામ પાસે ઘેટાંના મોત થયાની માહિતી મળવાના પગલે જિલ્લા પશુપાલન અધિકારી ડા. એસ. આઇ. પટેલ દ્વારા ચરાડા ગામે આવેલા પશુ દવાખાનાનાં પશુ ચિકિત્સા અધિકારી ડા. સ્મિત પટેલ, લોદરા દવાખાનનાના ડા. ભાવિન પટેલ અને સમૌ દવાખનનાં ડા. યશવંત ચૌધરીને સ્થળ પર દોડાવવામાં આવ્યા હતાં. જ્યાં ૮ ઘેટાં મૃત હાલતમાં અને અન્ય ૬ તરફડતી હાલતમાં જોવામાં આવતાં તેની સારવાર શરૃ કરાઇ હતી. પરંતુ આ પૈકીના ૪ મળીને ૧૨ ઘેટાંના મોત થયા હતાં. અધિકારી સુત્રોએ જણાવ્યા પ્રમાણે ઘેટાંના માલિક એવા શિહોરી પંથકના પશુપાલક વિરમારામ તેના ૨૬૦ ઘેટાં લઇને દિવાળી બાદ ચર્યાણ માટે આહી આવ્યા હતાં. આ બનાવના પગલે પશુ ચિકિત્સા અધિકારીઓ દ્વારા મૃત ઘેટાંના પોસ્ટ મોર્ટમ કરવામાં આવતાં તેના જઠરમાંથી એરંડાના પાનના અવશેષો મળી આવ્યા હતાં. જે ખાવાથી રીસીન પોઇઝન થાય છે. અધિકારી સુત્રો દ્વારા જણાવવામાં આવ્યું કે મોતના બનાવ બાદ આ ઘેટાંઓના શબનો વૈજ્ઞાાનિક ઢબથી નિકાલ કરવામાં આવ્યો હતો.

