ગુજરાત રાજ્યના નવા મંત્રીમંડળની રચના બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રવક્તા મંત્રીઓના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારના નીતિવિષયક નિર્ણયો અને મહત્ત્વપૂર્ણ બાબતોની માહિતી રજૂ કરવા માટે જીતુ વાઘાણી અને હર્ષ સંઘવીની પ્રવક્તા મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે.

હર્ષ સંઘવીને વધુ એક મોટી જવાબદારી
નોંધનીય છે કે, હર્ષ સંઘવીને ગૃહ રાજ્ય મંત્રી બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેનું પદ સોંપવામાં આવ્યું હતું. ત્યાર બાદ હવે તેમને રાજ્યના પ્રવક્તા મંત્રી તરીકેની પણ વધારાની મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. આ સિવાય જીતુ વાઘાણીને પણ ફરી એકવાર મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
ઋષિકેશ પટેલની જગ્યાએ નિયુક્તિ
અગાઉની સરકારમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી સંભાળતા હતા. નવા મંત્રીમંડળમાં ફેરફાર અને જવાબદારીની પુનઃવહેંચણીના ભાગરૂપે આ બંને મંત્રીઓની નિયુક્તિ કરવામાં આવી છે. પ્રવક્તા મંત્રી તરીકે જીતુ વાઘાણી અને હર્ષ સંઘવી હવે રાજ્ય સરકારના કેબિનેટ નિર્ણયો, જાહેર નીતિઓ અને વિકાસ કાર્યોની માહિતી મીડિયા સમક્ષ રજૂ કરશે.
