વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશા માતા અને શિશુ આરોગ્યને રાષ્ટ્રીય પ્રાથમિકતા આપી છે. તેમના આ વિઝનને અનુરૂપ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર આ ક્ષેત્રમાં અભૂતપૂર્વ કાર્ય કરી રહી છે.
રાજ્યમાં ‘સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ’ સુદ્રઢ બન્યો છે, જેથી માતાઓ અને બાળકોને સુરક્ષાનું એક વ્યાપક કવચ મળી રહ્યું છે. ગુજરાત સરકારની આ નિરંતર અને અસરકારક પહેલોના પરિણામે, વર્ષ 2025-26 દરમિયાન 11.30 લાખથી વધુ શિશુઓ અને 24 લાખથી વધુ બાળકોનું સફળતાપૂર્વક રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતના સાર્વત્રિક રસીકરણ અભિયાન હેઠળ એપ્રિલથી ફેબ્રુઆરી (2025-26) દરમિયાન રાજ્યમાં એક વર્ષ સુધીના 11 લાખ 30 હજારથી વધુ શિશુઓને સંપૂર્ણ રસીકરણ કવરેજ આપવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન, 11 લાખ 94 હજારથી વધુ બાળકોને બીસીજી રસી, 11 લાખ 59 હજાર બાળકોને પેન્ટાવેલેન્ટ (ડીપીટી-હેપેટાઇટિસ-બી-હિબ) રસી અને 11 લાખ 24 હજાર બાળકોને ઓરી-રુબેલા રસી આપવામાં આવી હતી.

તેવી જ રીતે, શિક્ષણ અને આરોગ્ય વિભાગના સંકલનથી શાળા અને બાલવાટિકા આધારિત રસીકરણ અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાન હેઠળ 10 અને 16 વર્ષના વિદ્યાર્થીઓને શાળાઓમાં રસી આપવામાં આવી, જ્યારે વર્ષ 2025માં 5 વર્ષના બાળકોને બાલવાટિકાઓમાં ડીપીટીનો બીજો ડોઝ આપવામાં આવ્યો. આ બંને શ્રેણીઓમાં છેલ્લા એક વર્ષમાં 24 લાખથી વધુ બાળકોનું સફળતાપૂર્વક રસીકરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, 2007થી ગુજરાતની પોલિયો મુક્ત રાજ્યની સિદ્ધિને ટકાવી રાખવા માટે વર્ષ 2025માં પણ રાજ્ય સરકાર દ્વારા 14 જિલ્લાઓમાં વિશેષ અભિયાન ચલાવીને 0 થી 5 વર્ષની વયના 24.65 લાખ બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર “ટીકા એક્સપ્રેસ,” “મોબાઇલ મમતા દિવસ” અને “ખિલખિલાટ વાહન”ના માધ્યમથી રસીકરણની આ વિવિધ પહેલોને લાગુ કરે છે, જેના માધ્યમથી રસીકરણની સેવાઓ અંતરિયાળ વિસ્તારો સુધી પણ પહોંચાડવામાં આવી રહી છે. “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” પખવાડિયું: 3.50 લાખથી વધુ બાળકો અને 1.24 લાખથી વધુ મહિલાઓનું સફળ રસીકરણ, સ્વસ્થ મહિલા-સશક્ત સમાજના મંત્રને ચરિતાર્થ કરવા માટે, રાજ્ય સરકારે 17 સપ્ટેમ્બરથી 2 ઑક્ટોબર 2025 સુધી યોજાયેલા “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” પખવાડિયા દરમિયાન માતા અને બાળ સ્વાસ્થ્ય પર કેન્દ્રિત એક ખાસ રસીકરણ અભિયાન શરૂ કર્યું. આ અંતર્ગત 3 લાખ 58 હજારથી વધુ બાળકો અને 1 લાખ 24 હજારથી વધુ સગર્ભા સ્ત્રીઓને રસી આપવામાં આવી. આ ઉપરાંત, સગર્ભા સ્ત્રીઓને એન્ટીનેટલ (પ્રસૂતિ પહેલાંની) તપાસ દરમિયાન ટેટનસ-ડિપ્થેરિયા રસી, જ્યારે બાળકોને BCG, પેન્ટાવેલેન્ટ, ઓરી-રુબેલા, ન્યૂમોકોકલ, ઇન્જેક્ટેબલ પોલિયો, ઓરલ પોલિયો અને રોટાવાયરસની રસીઓ આપવામાં આવી.
રાષ્ટ્રીય રસીકરણ દિવસ 2026: ગુજરાત સરકાર ઓરી-રુબેલા નાબૂદી માટે શરૂ કરશે ખાસ અભિયાન
રાષ્ટ્રીય રસીકરણ દિવસ (16 માર્ચ, 2026) નિમિત્તે, ગુજરાત ઓરી-રુબેલા નાબૂદી માટે એક દિવસીય સઘન અભિયાન શરૂ કરવા જઈ રહ્યું છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે વેક્સિન પ્રિવેન્ટેબલ ડિસીઝ સર્વેલન્સ ઇન્ફર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ (VSIMS) અને ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ (IDSP) પોર્ટલમાંથી પ્રાપ્ત રિયલ-ટાઇમ ડેટાના આધારે ઉચ્ચ જોખમ ધરાવતા ક્ષેત્રોની પણ ઓળખ કરી છે. ઔદ્યોગિક વિસ્તારો અને સરહદી જિલ્લાઓમાં રહેતા અન્ય રાજ્યોના બાળકો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને, 9 માસથી 10 વર્ષની વયના બાળકોનું સંપૂર્ણ રસીકરણ સુનિશ્ચિત કરવાનો લક્ષ્યાંક છે.
તાજેતરમાં 28 ફેબ્રુઆરી, 2026ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી HPV (હ્યુમન પેપિલોમા વાયરસ) રસીકરણ અભિયાનને પણ ગુજરાત અસરકારક રીતે આગળ ધપાવી રહ્યું છે. દીકરીઓને કોઈપણ પ્રકારની આરોગ્ય સમસ્યાઓનો સામનો ન કરવો પડે તે માટે રાજ્ય સરકાર તમામ સુરક્ષા પ્રોટોકોલનું કડક પાલન કરી રહી છે, જેમાં રસીકરણ પહેલાં ખાલી પેટ ન હોવું અને રસીકરણ પછી 30 મિનિટ સુધી અવલોકન સુનિશ્ચિત કરવામાં છે. આ અભિયાન 14થી 15 વર્ષની વય ધરાવતી કિશોરીઓને ધ્યાનમાં રાખીને અમલમાં મૂકવામાં આવ્યું છે. ખાનગી ક્ષેત્રમાં આ રસીની કિંમત ₹3,000થી ₹5,000 સુધીની છે, જેને રાજ્ય સરકાર પાત્ર કિશોરીઓને નિઃશુલ્ક આપી રહી છે. ભારત સરકારની આ પહેલ કિશોરીઓને સર્વાઇકલ કેન્સરથી સુરક્ષા આપવાની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
