ગાંધીનગર નજીક પેથાપુરમાં ગોએન્કા કોલેજમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી પર તેના જ સહપાઠીઓ અને અન્ય મિત્રોએ ભેગા મળીને લોખંડના કડા અને ગડદાપાટુ વડે હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે પેથાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.


આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મૂળ માણસાના મંડાલી ગામનો વતની અને હાલ પિંપળજ સ્થિત ગોએન્કા હોસ્પિટલમાં બી.એસ.સી. નસગના ચોથા વર્ષમાં અભ્યાસ કરતો ૨૨ વર્ષીય ધુ્રવ વસંતભાઈ સોલંકી ગઈકાલે રોજ સવારે કોલેજમાં પરીક્ષાનું ફોર્મ ભરવા અને ઝેરોક્ષ કરાવવા માટે પેથાપુર ગયો હતો. દરમિયાનમાં ધુ્રવ તેના મિત્ર અશ્વિન દંતાણી સાથે પેથાપુર ચોકડી પાસે આવેલ નવા શોપિંગ સેન્ટરમાં નાસ્તો કરવા બેઠો હતો. તે સમયે તેની જ કોલેજમાં ભણતો નિરવ નીનામા નામનો વિદ્યાર્થી ત્યાં આવ્યો હતો. તેણે આવતા વેંત ધુ્રવનો મોબાઈલ ફોન ઝૂંટવી લીધો હતો અને એકદમ મારવા લાગ્યો હતો. આ દરમિયાન થોડે દૂર ઉભેલા નિરવના અન્ય મિત્રો પણ ત્યાં દોડી આવ્યા હતા. આ ટોળામાં નિહાલ અને અક્ષિત નામના વિદ્યાર્થીઓ તેમજ અન્ય અજાણ્યા શખ્સો પણ હતા. જેમણે ભેગા મળીને ધુ્રવને ગડદાપાટુનો માર માર્ હતો. ઝપાઝપી દરમિયાન ટોળામાંથી કોઈકે ધુ્રવને માથાના ભાગે હાથમાં પહેરેલું કડું જોરથી મારતા તેનું માથું ફાટી ગયું હતું અને લોહી નીકળવા લાગ્યું હતું. ઈજાગ્રસ્ત હાલતમાં ધુ્રવને છોડીને જતી વખતે આરોપીઓએ ધમકી આપી હતી કે, આજે તો તને જવા દઈએ છીએ, પરંતુ હવે પછી તું ગોએન્કા કોલેજમાં આવીશ તો જાનથી મારી નાખીશું. ઘટના બાદ ધુ્રવના મિત્ર અશ્વિને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ધુ્રવને ગાંધીનગર સિવિલ હોસ્પિટલની નવી બિલ્ડિંગમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને માથાના ભાગે ૩ થી ૪ ટાંકા આવ્યા છે. આ બનાવ અંગે પેથાપુર પોલીસે નિરવ નીનામા, નિહાલ, અક્ષિત અને અન્ય અજાણ્યા ગોએન્કા કોલેજના વિદ્યાર્થીઓ સામે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

