GANDHINAGAR : જિલ્લામાં ૫૭.૧ ટકા મતદાર ફોર્મ અપલોડ ઃ ૭.૯૨ લાખ ફોર્મનું ડિજીટલાઇઝેશન

0
41
meetarticle

એસઆઇઆરમાં મતદાર યાદી ચકાસણીની કામગીરી અંતર્ગત મોટાભાગના ઘરે મતદારોેને ગણતરી ફોર્મ પહોંચતા થઇ ગયા છે. જે પૈકી ફોર્મ ભરાઇને બીએલઓને પરત પણ મળવા લાગ્યા છે. આ પરત આવેલા ફોર્મ ચૂંટણી પંચની એપ્લિકેશન મારફતે હાલ અપલોડ કરવાનો સિલસિલો ચાલી રહ્યો છે. ગાંધીનગર જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકમાં મંગળવાર બપોર સુધીમાં કુલ ૭.૯૨ લાખ જેટલા મતદાર ફોર્મ અપલોડ કરવામાં આવ્યા છે. એટલે કે, અપલોડની કામગીરી અત્યાર સુધીમાં ૫૭.૧ ટકા થઇ છે તેમ કહી શકાય.

ગાંધીનગર જિલ્લાના દહેગામ વિધાનસભા વિસ્તારમાં કુલ ૨.૨૯ લાખ જેટલા મતદારો છે ત્યારે અહીં ૧.૪૦ લાખ જેટલા એટલે કે, ૬૧.૦૧ ટકા જેટલા મતદારોના ગણતરી ફોર્મ ભરાઇને પરત આવ્યા છે. આ પરત આવેલા ફોર્મને અપલોડ પણ કરી દેવામાં આવ્યા છે. આવી જ રીતે ગાંધીનગર દક્ષિણની બેઠકમાં કુલ ૪.૦૭ લાખ મતદારો પૈકી ૨.૩૧ લાખ જેટલા એટલે કે, ૫૬.૭૬ ટકા ફોર્મ પરત આવતા તેને અપલોડ કરવામાં આવ્યા છે. ગાંધીનગર ઉત્તર બેઠકના કુલ ૨.૫૫ લાખથી વધુ મતદારો પૈકી ૧.૩૧ લાખ જેટલા ફોર્મ અપલોડ કરવામાં આવ્યા છે.એટલે કે, અપલોડની ૫૧.૨૨ ટકા જેટલી કામગીરી થઇ છે તેમ કહી શકાય.ડિજીટલાઇઝેશનની આ કામગીરી ગાંધીનગર ઉત્તરની બેઠકમાં સૌથી ઓછી થઇ હોવાનું અત્યાર સુધીમાં સામે આવી રહ્યું છે.માણસાના ૨.૪૨ લાખ મતદારો પૈકી ૫૬.૪૩ ટકા એટલે કે,૧.૩૬ લાખ જેટલા ફોર્મ બીએલઓ મારફતે અપલોડ કરવામાં આવ્યા છે. જ્યારે કલોલ વિધાનસભા મતવિસ્તારમાં કુલ ૨.૫૪ લાખ મતદારોની સંખ્યા છે. જે પૈકી મોટાભાગના મતદારોના ઘરે ઘરે જઇને ફોર્મ પહોંચાડવામાં આવ્યા છે જેમાંથી ૧.૫૧ લાખ એટલે કે, ૬૦.૧૮ ટકા ફોર્મ પરત આવતા તેને અપલોડ કરવામાં આવ્યા છે.ગાંધીનગર જિલ્લાની આ પાંચેય વિધાનસભા બેઠકમાં થઇને કુલ ૫૭.૧ ટકા ફોર્મ એટલે કે,૭.૯૨ લાખ જેટલા મતદારોના ફોર્મ મંગળવાર બપોર સુધીમાં અપલોડ થયા છે.ઉલ્લેખનીય છે કે, આગામી તા.૪ ડિસેમ્બર સુધી ફોર્મ પરત લેવાની કામગીરી કરવામાં આવશે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here