ગુજરાતનો બ્રહ્મસમાજ હવે પરિવર્તનના પંથે છે. ગાંધીનગરમાં મળેલી બ્રહ્મસમાજની એક મહત્વપૂર્ણ બેઠકમાં સામાજિક કુરીવાજો, આર્થિક બોજ અને સમાજ વિરોધી નીતિઓ સામે ઐતિહાસિક રણશિંગુ ફૂંકવાનો નિર્ણય કરાયો છે. આ બેઠકનો સૌથી મોટો નિર્ણય એ છે કે, હવે બ્રહ્મસમાજ પોતાનું એક ‘સામાજિક બંધારણ’ તૈયાર કરશે. જેનો સીધો ફાયદો મધ્યમવર્ગીય પરિવારોને થશે.

લગ્ન પ્રસંગોમાં ‘રોયલ’ ખર્ચને બદલે ‘રીયલ’ બચત પર ભાર
સમાજ અગ્રણી યજ્ઞેશ દવેએ લગ્ન પ્રસંગોમાં થતા આંધળા ખર્ચ સામે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, સામાજિક દેખાદેખીમાં આજે મધ્યમવર્ગ દેવાના ડુંગર નીચે દબાઈ રહ્યો છે. જેથી આ પ્રકારનાં ખોટા રિવાજ બંધ થવા ખુબ જ જરૂરી છે.
શું હશે નવું માળખું?
આગામી વાર્ષિક સભામાં આ નવા સામાજિક બંધારણને અંતિમ ઓપ આપવામાં આવશે. જો કે બંધારણ બનાવતા પહેલા દરેકે દરેક તબક્કાનું મંતવ્ય લેવામાં આવશે. આ બંધારણ માત્ર ઓફિસમાં બેસીને નહીં, પણ સમગ્ર ગુજરાતના બ્રાહ્મણોના સૂચનો અને મંતવ્યો મેળવીને સર્વસંમતિથી બનાવવામાં આવશે.
સરકારી અન્યાય અને UGC સામે આક્રમક તેવર
માત્ર સામાજિક સુધારા જ નહીં, પણ બ્રહ્મસમાજ હવે પોતાના હકો માટે મેદાને પડ્યો છે. બેઠકમાં આક્ષેપ કરાયો હતો કે, સરકારી પરિપત્રોમાં સવર્ણ સમાજને વારંવાર નિશાન બનાવવામાં આવે છે.માટે બ્રહ્મ સમાજના પ્રમુખ અશ્વિન ત્રિવેદીએ UGC (યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન) ના વિવાદાસ્પદ નિયમો સામે કોર્ટના દ્વાર ખટખટાવવાની ચીમકી આપી છે. આ સાથે સમગ્ર સમાજે સ્પષ્ટ સંદેશ આપતા જણાવ્યું કે, સમાજ વિરોધી કોઈ પણ સરકારી નીતિ હવે સાંખી લેવામાં આવશે નહીં.
‘ઘૂસખોર પંડત’ સામે લાલ આંખ
મનોરંજનના નામે બ્રહ્મસમાજની છબી ખરડાવતી ફિલ્મો સામે પણ કડક વલણ અપનાવાયું છે. ‘ઘૂસખોર પંડત’ જેવી ફિલ્મોના નામ સામે વિરોધ નોંધાવતા અશ્વિન ત્રિવેદીએ સ્પષ્ટ કર્યું કે, સમાજની લાગણી દુભાવતી પ્રવૃત્તિઓ સહન કરવામાં આવશે નહીં. આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટના આદેશોનું સન્માન કરી વિવાદાસ્પદ કાર્યક્રમોથી દૂર રહેવાની પણ અપીલ કરવામાં આવી હતી.
ગામડાથી શહેર સુધી સંગઠન બનશે ‘બ્રહ્મકવચ’
આગામી સમયમાં જિલ્લા અને તાલુકા સ્તરે સંગઠનને વધુ મજબૂત કરવામાં આવશે. આ સામાજિક બંધારણનો અમલ એ માત્ર નિયમ નથી, પણ સમાજના યુવાનો અને વડીલોને આર્થિક રીતે સદ્ધર કરવાનો અને એકતાના તાંતણે બાંધવાનો એક પ્રયાસ છે.

