અકસ્માતની ઘટનાઓમાં મૃત્યુ આંક ઘટાડવા માટે પોલીસ દ્વારા ટુવિલર વાહનમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે ત્યારે આવતીકાલે મંગળવારથી પાટનગર ગાંધીનગર શહેરની તમામ સરકારી કચેરીઓ બહાર ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ હેલ્મેટ ડ્રાઇવ શરૃ કરવામાં આવનાર છે. જે માટે સચિવાલય સહિત તમામ કચેરીઓ બહાર પોઇન્ટ નક્કી કરી દેવામાં આવ્યા છે.

રાજ્યમાં ટ્રાફિકના નિયમોના પાલન અંતર્ગત હેલ્મેટ ફરજિયાત છે પરંતુ ઘણા વાહન ચાલકો તે નહીં પહેરવાને કારણે અકસ્માતમાં મોતને ભેટે છે ત્યારે આ સ્થિતિમાં રાજ્યમાં વધતા જતા અકસ્માતને પગલે હાઇકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી અને અકસ્માતના આંકડા ઘટાડવા માટે હેલ્મેટનું કડકપણે પાલન કરાવવા માટે સરકારે વિધિવત પરિપત્ર કર્યો હતો. જેમાં રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં કર્મચારીઓને ફરજિયાત હેલ્મેટ પહેરવા પણ આદેશ આપવામાં આવ્યો હતો પરંતુ હજી તેનું યોગ્ય પાલન થતું નથી. જેના પગલે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા સમગ્ર રાજ્યમાં સરકારી કર્મચારીઓને ટ્રાફિકના નિયમોનો કડકપણે પાલન કરવા અને હેલ્મેટ પહેરવા માટે આદેશ કર્યો છે આ માટે આવતીકાલ મંગળવારથી સરકારી કચેરીઓ બહાર ખાસ ડ્રાઈવ શરૃ કરવા પણ આદેશ આપવામાં આવ્યો છે. પાટનગર ગાંધીનગર શહેરમાં પણ સૌથી વધારે સરકારી કર્મચારીઓ કામ કરે છે ત્યારે આવતીકાલે ગાંધીનગર ટ્રાફિક પોલીસ દ્વારા સચિવાલય ઉપરાંત રાજ્ય સરકાર હસ્તકની વિવિધ બોર્ડ નિગમ અને અન્ય સરકારી કચેરીઓ બહાર હેલ્મેટ માટે ખાસ ડ્રાઈવ શરૃ કરવામાં આવનાર છે. જે માટે પોલીસ દ્વારા પોઇન્ટ પણ નક્કી કરી દેવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આ ડ્રાઇવ દરમિયાન ટ્રાફિકના અન્ય નિયમોનું પાલન કરાવવા માટે પણ પ્રયાસ કરવામાં આવશે અને તેનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિઓ સામે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે.
જુના સચિવાલયની દુકાનોમાં હેલ્મેટ લેવા કર્મચારીઓ દોડયા
પોલીસ દ્વારા આવતીકાલથી હેલ્મેટ મુદ્દે સરકારી કચેરીઓ બહાર ખાસ ડ્રાઈવ શરૃ કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે ત્યારે પાટનગર ગાંધીનગર શહેરમાં જુના અને નવા સચિવાલયની સાથે અન્ય કચેરીઓમાં હજારો કર્મચારીઓ કામ કરે છે. આ કર્મચારીઓ મોટાભાગે જુના સચિવાલયમાંથી ખરીદી કરતા હોય છે ત્યારે હેલ્મેટના કડકપણે અમલવારીના આદેશને પગલે આજે બપોરથી જુના સચિવાલયની દુકાનોમાં હેલ્મેટ લેવા માટે કર્મચારીઓની પડા પડી થઈ ગઈ હતી.

