ગાંધીનગરના પીપળજ ગામની સીમમાં આવેલી કરોડોની કિંમતની જમીનના વિવાદમાં પિતાએ જ પોતાના પુત્ર વિરુદ્ધ મોરચો માંડયો હોવાની ઘટના સામે આવી છે. પીપળજ ગામની સીમમાં આવેલી જમીન પર ગેરકાયદેસર પ્રવેશ કરી ચોકીદારોને ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવા અંગે પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

ગાંધીનગર જિલ્લામાં જમીન સંબંધીત તકરારોની ફરિયાદ વધી રહી છે ત્યારે આ વખતે જમીન મામલે પિતા અને પુત્ર જ સામસામે આવી ગયા હોવાની ઘટના બહાર આવી છે. જે સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા રાજેન્દ્રકુમાર મનુભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે, તેમની માલિકીની પીપળજ ગામની સર્વે નંબર ૧૦૭૪ અને ૧૦૭૫ વાળી જમીન પર છેલ્લા ૧૭ વર્ષથી તેમનો જ કબજો છે. ગત ૩૧ ડિસેમ્બરના રોજ સવારના સમયે તેમના પિતા મનુભાઈ મગનભાઈ પટેલ, ભત્રીજો શ્રેય મહેશભાઈ પટેલ અને અન્ય ૮ થી ૧૦ અજાણ્યા માણસોએ જમીનમાં ગેરકાયદે પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ જમીનની રખેવાળી કરતા ચોકીદાર દયારામ સિંઘ અને કાનાજી ઠાકોરને લાફા મારી ગાળાગાળી કરી હતી. તેમણે કહ્યું હતું કે આ જમીનનું પજેશન મારે વેચાણ લેનારને આપવાનું છે, તમે અહીંથી જતા રહો તેમ કહી હોબાળો મચાવ્યો હતો. આ દરમ્યાન એક અજાણ્યા શખ્સે ચોકીદારોને ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, હુમલાખોરોએ ખેતરની સુરક્ષા માટે લગાવેલા સીસીટીવી કેમેરા અને ડીવીઆર તોડી નાખી અંદાજે નુકસાન કર્યું હતું. આ જમીન અંગે સિવિલ કોર્ટમાં વચગાળાનો હુકમ હોવા છતાં તેમના પિતા અને સ્વર્ગસ્થ ભાઈના વારસોએ શરતનો ભંગ કરી ત્રાહિત વ્યક્તિ ભરતસિંહ રાઠોડને કબજા વગરનું બનાવટી વેચાણ કરી દીધું હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. પેથાપુર પોલીસે આ મામલે મનુભાઈ પટેલ, શ્રેય પટેલ અને અન્ય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

