ન્યુ ગાંધીનગર વિસ્તારમાં આવેલી રાષ્ટ્રીયકૃત બેંકમાં અધિકારી તરીકે ફરજ બજાવતી મહિલાની સાથી કર્મચારી દ્વારા બેઝમેન્ટમાં છાતી ઉપર હાથ નાખીને છેડતી કરવામાં આવી હતી. જેથી આ સંદર્ભ બેન્કમાં લેખિત ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં થતા સેક્ટર ૭ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેર નજીક ન્યુ ગાંધીનગર વિસ્તારમાં આવેલી એક રાષ્ટ્રીયકૃત બેંકમાં એક મહિલા અધિકારી ફરજ બજાવે છે. તેમની સાથે વધુ કર્મચારીઓ પણ બ્રાંચમાં કામ કરે છે ત્યારે આ મહિલા અધિકારી સાંજે બેંક બંધ થયા બાદ કોમ્પ્લેક્સના ભોયરામાં પાર્ક કરેલું તેમનું વાહન લેવા માટે ગયા હતા તે દરમિયાન વાવોલમાં રહેતો અને તેમની સાથે કામ કરતો કર્મચારી તેમની પાસે આવ્યો હતો અને ત્યારબાદ બેઝમેન્ટમાં તેમની સાથે વાતચીત કરી હતી અને તકનો લાભ લઈને તેમની છાતી ઉપર હાથ નાખી છેડતીનો પ્રયાસ કર્યો હતો. જોકે મહિલાએ રોકતા સોરી મેડમ સોરી મેડમ કહીને ત્યાંથી નીકળી ગયો હતો. જોકે આ ઘટનાને પગલે આ મહિલા અધિકારી હેબતાઈ ગયા હતા અને ત્યારબાદ આ અંગે બેંકમાં લેખિતમાં ફરિયાદ કરી હતી પરંતુ બેંક દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. દરમ્યાનમાં તેઓ કામ અર્થે તેમના વતનમાં ગયા હતા અને એક મહિના બાદ પરત ફર્યા ત્યારે તેમણે આ અંગે સેક્ટર ૭ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

