ઓક્ટોબરમાં આવેલા કમોસમી ભારે વરસાદને પગલે મચ્છરજન્ય રોગચાળાને ઉગતો અટકાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા સઘન અને વ્યાપક સર્વેલન્સ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ૧૦ દિવસના અભિયાન દરમિયાન આરોગ્ય કર્મચારીઓ અને આશા બહેનો સહિતની ૩,૯૪૦ ટીમો દ્વારા ગાંધીનગરના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.

આ અભિયા અંતર્ગત ગાંધીનગર જિલ્લાના ૪૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને પાંચ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના સમગ્ર ક્ષેત્રિય વિસ્તારને આવરી લેવામાં આવ્યો હતો. આ ઝુંબેશ સ્વરૃપે કુલ ૧,૮૫,૦૯૭ ઘરોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું, જેમાં ૯,૬૧,૭૯૦ જેટલી વસ્તીની આવરી લેવામાં આવી હતી. સર્વેલન્સ દરમિયાન, ૨૦૧૯ જેટલા ઘરોના પાત્રોમાં અને ઘરોની બહાર મળીને કુલ ૩,૮૬૮ જગ્યાએ મચ્છરના પોરા મળી આવ્યા હતા, જે તમામનો તાત્કાલિક નાશ કરવામાં આવ્યો હતો.માત્ર રહેણાંક વિસ્તારો જ નહીં, પરંતુ જાહેર સ્થળોએ પણ સઘન તપાસ કરવામાં આવી હતી. આરોગ્યની ટીમોએ ૫૧૬ શાળા અને કોલેજો, ૬૫૬ આંગણવાડી, ૨૨૫ ગ્રામ પંચાયત કચેરીઓ અને ૨૭૩ ડેરી ખાતે સર્વેલન્સની કામગીરી હાથ ધરી હતી. આ ઝુંબેશ દરમિયાન, ૨,૬૯૧ લોહીના નમૂના લેવામાં આવ્યા હતા અને તેની તપાસ કરવામાં આવી હતી. તમામ નમૂનાઓના પરિણામ નેગેટિવ આવ્યા હતા.ટીમો દ્વારા ઘરની આસપાસની નિયમિત સફાઈનું મહત્વ, દવાયુક્ત મચ્છરદાનીનો યોગ્ય ઉપયોગ અને મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા માટેના પગલાં વિશે ડેમોસ્ટ્રેશન સાથે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, જિલ્લાના વિવિધ ગામો અને શહેરી વિસ્તારોમાં કાયમી પાણી ભરાઈ રહેતા હોય તેવી જગ્યાઓ, ખાડાઓ તેમજ તળાવોમાં બળેલા ઓઇલનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

