ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાને ફરી એકવાર સક્રિય કરવા માટે તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની આગેવાની હેઠળ મળી હતી. આ બેઠકનો મુખ્ય હેતુ ઠાકોર સેનાના આગામી એક વર્ષના કાર્યક્રમો અને રણનીતિનો રોડ મેપ નક્કી કરવાનો હતો, જેમાં સામાજિક સુધારણા, વ્યસનમુક્તિ અને રાજકીય પ્રતિનિધિત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, ૨૬ જાન્યુઆરીએ ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા એક વિશાળ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે મોટી બેઠક થાય ત્યારે રાજનીતિની વાત પણ સ્વાભાવિક રીતે થાય છે. આમ છતાં અમારી મુખ્ય અગ્રતા સમાજસેવા છે. માત્ર અમારું નહીં, પણ દરેક સમાજના લોકોનું ઉત્થાન થાય તે જરૂરી છે.
આ સાથે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ઉમેર્યું કે, “છેવાડાના લોકોનો વિકાસના પ્રવાહમાં સમાવેશ થાય તે માટે સેના સતત પ્રયત્નશીલ છે. દરેક વ્યક્તિની અપેક્ષા હોય છે કે તેને રાજનીતિમાં સ્થાન મળે અને સક્રિય તથા સક્ષમ વ્યક્તિઓને સમયાનુકૂળ તક મળી રહે છે.”

ઓબીસી એકતા મંચના ઉપપ્રમુખ મુકેશભાઈ ભરવાડે જણાવ્યું કે, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના છેલ્લા ૧૫ વર્ષોથી સમાજસેવામાં નિષ્ઠાપૂર્વક કાર્યરત છે. આ કાર્યક્ષમતા હવે વધુ વ્યાપક રૂપ લઈ રહી છે. શૈક્ષણિક પ્રવૃત્તિઓ, તેમજ સરકારી યોજનાઓનો જરૂરિયાતમંદ લોકોને લાભ મળે તે મુખ્ય હેતુ રહ્યો છે. આગામી વર્ષે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મફત શૈક્ષણિક કીટ આપવાનું પણ લક્ષ્યાંક છે. આ પ્રસંગે ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે પણ પ્રસંગોપાત પ્રવચન આપ્યું હતું.
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના ઉપ-પ્રમુખ અને બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ બેઠકમાં જણાવ્યું કે, “આ કોઈ શક્તિ પ્રદર્શન નથી, પરંતુ સમાજને જાગૃત કરવાનો અને કુરિવાજો દૂર કરવાનો પ્રયાસ છે. ગામડાઓમાં જઈને ઠાકોર સમાજને એકજૂટ કરીશું. આગામી એક વર્ષ માટે રોડ મેપ તૈયાર કરીશું.”
બેઠક માં પ્રદેશ હોદ્દેદારો અને 1000થી વધુ સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.
………………………..
બેઠકમાં નીચેના મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
વ્યસનમુક્તિ અભિયાન : ઠાકોર સમાજ દ્વારા દારૂના વેચાણ અને સેવન પર કડક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દારૂ પીનારા કે વેચનારને 11,000 રૂપિયાનો દંડ અને સમાજમાંથી બહિષ્કારની સજા નક્કી કરવામાં આવી છે.
શિક્ષણ અને સ્વરોજગાર : મહિલા સ્વરોજગારી અને દીકરીઓના શિક્ષણનું સ્તર સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવાની યોજના પણ ચર્ચા કરવામાં આવી હતી.
સમૂહ લગ્ન અને પહેરામણી પ્રથાનો અંત : સમાજે વર્ષમાં બે વાર સમૂહ લગ્નનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. જાન્યુઆરી 2026માં 21 દીકરીઓના કન્યાદાન માટે માત્ર 1 રૂપિયાની ટોકન ફી લેવામાં આવશે. ઉપરાંત, પહેરામણી પ્રથાને નાબૂદ કરીને માત્ર 11 રૂપિયાની પહેરામણી લેવાની અપીલ કરવામાં આવ્યું છે.

આર્થિક સહાય : જરૂરિયાતમંદ પરિવારોને 21,000 રૂપિયાની આર્થિક સહાય અને યુવાનોને વ્યવસાય શરૂ કરવા માટે સમાજ તરફથી મદદ આપવાનો નિર્ણય લેવાયો છે.
રાજકીય પ્રતિનિધિત્વ : ઠાકોર સમાજના નેતૃત્વને સરકારમાં યોગ્ય સ્થાન મળે.” ઉલ્લેખનિય છે કે, પાછલા કેટલાક સમયથી ઠાકોર સેના રાજકીય રીતે સંગઠિત થઈને પોતાની માંગણીઓને વધુ અસરકારક રીતે રજૂ કરી રહ્યો છે, પરંતુ હજું પણ તેમાં સુધારા કરીને રાજકીય રીતે સમાજની ભૂમિકા વધારવા અને સમાજને આર્થિક રીતે મજબૂત બનાવવા તરફ પ્રયાણ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.

