પાટનગરમાં પીવાના દૂષિત પાણીથી રોગચાળો ફાટયાનાં ફફડાટ વચ્ચે સેક્ટર-૧૬માં સ્થિત સરકારી વસાહતના ઘરોમાં ડહોળુ પાણી આવવાથી અહીના રહેવાસીઓમાં ભારે આક્રોષ ફેલાયો છે. ત્યારે અહીં એ બાબત નોંધવાનું અનિવાર્ય બનશે, કે ૨૪ કલાક પાણીની યોજના અંતર્ગત જ ચરેડી અને સરિતા બન્ને હેડ વોટર વર્કસના લાખ્ખોના ખર્ચે આધુનિકરણ કરાયા છતાં ડહોળા પાણીની સમસ્યા ઠેરની ઠેર રહી છે.

સામાન્ય રીતે પ્રતિ વર્ષે ચોમાસાની જમાવટ થયા બાદના દિવસોમાં પાટનગરમાં ડહોળુ પાણી આવતું હોય છે. જે સ્થિતિને રોકી, અટકાવી શકાતી નથી. કેમ, કે ઉપરવાસમાં ભારે વરસદા થવાના કારણે નદીઓમાં પુર આવવાથી તે ડહોળુ પાણી સરદાર સરોવર નર્મદા ડેમમાં આવે છે. બાદમાં ડેમની સલામતી માટે પાણીની સપાટી જાળવવા માટે વિપુલ માત્રામાં આ પાણી નર્મદા કેનાલમાં છોડવામાં આવે છે. જેમાં એક તો પુરનું ડહોળુ પાણી હોય અને તેને કેનાલમાં છોડાંતા પ્રચંડ પ્રવાહના કારણે કેનાલમાં વર્ષ દરમિયાન જમા થયેલી માટી સહિતની અશુદ્ધિઓ વોટર વર્કસ સુધી પહોંચે છે. આ પાણીને ૨૪ કલાક માટે સ્થિર રાખવામાં આવ્યા બાદ શુદ્ધિકરણના પ્લાન્ટ્સને પૂર્ણ ક્ષમતાએ ચલાવીને પાણીને ફિલ્ટર કરવા ઉપરાંત ફટકડી નાંખીને માટીને તળિયે બેસાડવા પ્રયાસ કરવા છતાં માટી કે જેને ટર્બીટીડી કહે છે, તે સંપૂર્ણ દુર નહીં થવાથી દરેક ઘરે પહોંચતુ પાણી ડહોળુ રહે છે. પરંતુ હાલ આ સ્થિતિ નથી. છતાં છાશવારે કોઇને કોઇ સેક્ટરમાં ડહોળુ પાણી મળવાની ફરિયાદોનો અંત આવી રહ્યો નથી.

