ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરાની કડક ઉઘરાણીની કવાયત શરૃ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત પ્રથમ તબક્કે એક લાખ રૃપિયાથી વધુ વેરો બાકી છે તેવા ૯૯૬ જેટલા મિલકત ધારકોને નોટિસ આપવાની પ્રક્રિયા શરૃ કરવામાં આવી છે અને ત્યારબાદ બે નોટિસ બાદ પણ વેરો નહીં ભરનાર મિલકતો સીલ કરી દેવામાં આવશે. ઝોન દીઠ અલગ અલગ બાકીદારોની યાદી પણ તૈયાર કરી દેવામાં આવી છે.

પાટનગર ગાંધીનગર મહાનગર પાલિકાનું વિસ્તરણ થઈ ગયા બાદ ૧.૭૮ લાખ સુધી રહેણાંક અને કોમશયલ મિલકતો પહોંચી ચૂકી છે. કોર્પોરેશન દ્વારા આ મિલકત ધારકોને વેરો ભરી જવા માટે બિલો મોકલી આપવામાં આવ્યા હતા. જોકે અત્યાર સુધીમાં કોર્પોરેશનને ૮૦ કરોડ રૃપિયાના મિલકતવેરાની સામે ૬૨.૨૨ કરોડ રૃપિયાની જ વસૂલાત થવા પામી છે. કોર્પોરેશન દ્વારા બાકી મિલકત વેરો વસૂલવા માટે બાકીદારોની યાદી તૈયાર કરવામાં આવી હતી. જોકે દિવાળીના તહેવારને અનુલક્ષીને કોર્પોેરેશન દ્વારા આ નોટિસો બજાવવામાં આવી ન હતી. હવે એક લાખ રૃપિયા કરતા વધુ વેરો બાકી છે તેવી ૯૯૬ જેટલી મિલકતોને પ્રથમ તબક્કે નોટિસ આપવામાં આવી છે. જેના કારણે વધુ બે કરોડ રૃપિયાની વસૂલાત પણ મહાનગરપાલિકાને થઈ જવા પામી છે ત્યારબાદ ૫૦ હજાર અને ૨૫ હજાર રૃપિયા બાકી છે તેવી મિલકતોનો સમાવેશ કરવામાં આવશે. કોર્પોરેશન દ્વારા ૧૫- ૧૫ દિવસની બે નોટિસ આપવામાં આવશે અને આ નોટિસ બાદ પણ મિલકત વેરો નહીં ભરવામાં આવે તો મિલકત સીલ કરવા સુધીના પગલાં ભરવામાં આવશે. કોર્પોરેશન દ્વારા હાલ અલગ અલગ ઝોન દીઠ નોટિસો તૈયાર કરવામાં આવી રહી છે ત્યારબાદ કર્મચારીઓને મોકલી આ નોટિસો રૃબરૃ બજાવવામાં આવશે. નોંધવું રહેશે કે દર વર્ષે કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી આ નોટિસો આપવાની ઝુંબેશને પગલે મિલકત વેરો સરળતાથી આવી જાય છે
.બે નોટિસ બાદ પણ વેરો નહીં ભરાય તો મિલકતો સીલ કરાશે
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા બાકી મિલકત વેરાની વસુલાત માટે હવે કડક ઉઘરાણી શરૃ કરવામાં આવી છે અને એક લાખ રૃપિયા કરતા વધુનો વેરો બાકી છે તેવી મિલકતોને નોટિસ આપવાનો તખતો ઘડી કાઢવામાં આવ્યો છે. આગામી દિવસમાં મિલકતોને નોટિસ આપી દેવામાં આવશે ત્યારે પંદર દિવસ બાદ કોર્પોરેશન બીજી નોટિસ આપશે. તેમ છતાં વેરો નહીં ભરાય તેવી મિલકતોને સીલ કરી દેવામાં આવશે. કોર્પોરેશને શરૃ કરેલી આ ઝુંબેશને પગલે હાલ બાકીદારોમાં ફાફડાટ ફેલાઈ જશે તે નક્કી છે.

