ગાંધીનગર નજીક આવેલા ખોડીયાર ગામમાં જીવતા ખેડૂતને મૃત બતાવીને ખોટી વારસાઈ કરી ૯૧ લાખ રૃપિયામાં જમીનનો બારોબાર બહાનાખત કરી દેવામાં આવ્યો હતો. જે સંદર્ભે ખેડૂતને જાણ થતા અડાલજ પોલીસ મથકમાં આઠ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે. જેના આધારે હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

હાલમાં જમીન સંબંધીત છેતરપિંડી ની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગાંધીનગર નજીક દસકોઈ તાલુકાના ખોડીયાર ગામમાં જીવતા ખેડૂતને મૃત બતાવીને જમીનનો બહાનાખત કરી દેવામાં આવ્યો હોવાની ઘટના બહાર આવી છે. જે સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ખોડીયાર ગામમાં રહેતા ડાહ્યાજી બાદરજી ઠાકોર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, ગત જાન્યુઆરી ૨૦૨૪માં અખબારમાં તેમણે જમીન સંદર્ભ જાહેર નોટિસ વાંચી હતી જેમાં તેમને મૃત બતાવીને તેમના વારસદારો દ્વારા જમીન સંદર્ભે એનઓસી માગવામાં આવી હતી. જોકે ત્યારબાદ તેમના દ્વારા તપાસ કરવામાં આવતા આ ટોળકીએ અમદાવાદ કોર્પોરેશનમાંથી તેમનો ખોટો મરણનો દાખલો કઢાવ્યો હતો અને તે દાખલાને આધારે દહેગામના પનાના મુવાડાના તલાટી પાસેથી ખોટું પેઢીનામુ બનાવ્યું હતું ત્યારબાદ આ બનાવટી પેઢીનામાના આધારે ખોડીયાર ગામમાં આવેલી તેમની જમીનમાં નામ ચઢાવી દેવામાં આવ્યા હતા. એટલું જ નહીં આ બોગસ વારસદારો દ્વારા રાજકોટ ખાતે રહેતા બિંદ્રા રાજેશભાઈ ચોટાઈને ૯૧ લાખ રૃપિયામાં જમીનનો બહાનાખત કરાવી આપવામાં આવ્યો હતો. તેમની જાણ બહાર સમગ્ર જમીન કૌભાંડ આચરવામાં આવ્યું હોવાથી તેમણે પનાના મુવાડા લીહોડા ગામમાં રહેતા જશુભાઈ ડાયાજી ઠાકોર, શકરીબેન ડાયાજી ઠાકોર, લક્ષ્મીબેન ડાયાજી ઠાકોર, હરીશકુમાર પ્રતાપરામ ચૌહાણ, મુકેશસિંહ ઉદેસિંહ ઝાલા, દિલીપસિંહ રામસિંહ ઝાલા, કિરણજી ફુલાજી ઝાલા સહિત કુલ આઠ વ્યક્તિઓ સામે છેતરપિંડી વિશ્વાસઘાત અને બનાવટી દસ્તાવેજો ઊભા કરવા સંદર્ભે અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.

