સોશિયલ મિડીયા પર વિડીયો વાઇરલ કરવાનું ચલણ વધ્યું છે. ત્યારે ગાંધીનગરમાં ડીવાયએસપીની કચેરીમાં ઘુસી જઇ એડવોકેટ હોવાની ઓળખ આપીને અધિકારી, કર્મચારીઓ ગેરહાજર છે, તેવી બાબતે ચેમ્બર ખોલીને વિડીયો ઉતારવા લાગેલા શખ્સ સામે ગુનો દાખલ કરાયો છે. ભૂતકાળમાં તેણે સિવિલ હોસ્પિટલ, મહાપાલિકા, ગુડા સહિત સરકારી કચેરીઓમાં ઘુસી જઇને સોશિયલ મિડીયા પર વિડીયો મુક્યા હતાં.

સેક્ટર ૯માં આવેલી નાયબ પોલીસ અધિક્ષકની કચેરીમાં નોકરી કરતા કોન્સટેબલ મહેન્દ્રસિંહ જીલુભા બિહોલાએ આ સંબંધે નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સરગાસણમાં આવેલી ગુડાની વસાહત રૃદ્રાક્ષ હાઇટ્સમાં રહેતા કેતનકુમાર મહેશભાઇ શર્મા નામના શખ્સનું નામ દર્શાવ્યું છે. ફરિયાદમાં જણાવાયા પ્રમાણે બપોર વેળાએ કચેરીમાં આવીને મુખ્ય અધિકારીની ગેરહાજરી બાબાતે આરોપીએ વિડીયો ઉતારવાનું શરૃ કરવાની સાથે તેને રોકવાનો પ્રયાસ કરાયો ત્યારે એડવોકેટ તરીકે ઓળખ આપીને જોઇ લેવાની ધમકી પણ આપી હતી. ફરિયાદમાં જણાવવામાં આવ્યા પ્રમાણે આરોપીએ ભૂતકાળમાં સિવિલ હોસ્પિટલ, મહાપાલિકા, ગુડા સહિત સરકારી કચેરીઓમાં ઘુસી જઇને સોશિયલ મિડીયા પર વિડીયો મુક્યા હતાં. ફરિયાદમાં એમપણ જણાવાયું છે, કે ડીવાયએસપી કચેરીમાં હાજર ન હતા અને તેઓ કેન્દ્રીય ગૃહમંત્રીના આગામી પ્રવાસના કાર્યક્રમ સંબંધે કાયદો, વ્યવસ્થા અને એડવાન્સ સિક્યુરીટી લાઇઝનીંગની કામગીરીમાં રોકાયેલા હોવા છતાં આ સંબંધે જાણકારી મેળવ્યા સિવાય આરોપીે તેની ચેમ્બરમાં કોઇ હાજર નહીં હોવા મતલબનો વિડીયો ઉતારવાનું શરૃ કર્યુ હતું.

