
પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ગોહિલવાડમાં ગત તા.૨૭ ઓગસ્ટના ગણેશ ચતુર્થીથી ૧૦ દિવસીય ગણેશ ઉત્સવનો પરંપરાગત રીતે ધામધૂમથી શુભારંભ થયો હતો.સ્થાનિક શેરી, મહોલ્લાઓમાં ઠેરઠેર ગણેશ ઉત્સવના પારિવારિક અને સાર્વજનિક આયોજનો કરાયા હતા. ઉત્સવ દરમિયાન દરરોજ ધાર્મિક, સામાજિક, સેવાકિય તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ભકિતભાવપૂર્વક આરાધના કરાઈ હતી. ગત વર્ષની તુલનામાં આ વર્ષે પણ સાર્વજનિકની તુલનામાં ૩ દિવસીય, ૫ દિવસીય અને સાત દિવસીય પારિવારિક આયોજનો સર્વાધિક થયા હતા. ઉત્સવ દરમિયાન ભાવિકોની મોંઘેરી મહેમાનગતિ માણીને આવતીકાલ તા.૬-૯ ને શનિવારે સવારથી શુભ મુર્હૂતે ભારે હૈયે ભાવિકો દ્વારા શરણાઈ,ઢોલ, નગારા, શંખનાદ, ઝાલરનાદ સાથે ગણપતિબાપા મોરિયા, અગલે વર્ષ તુ જલ્દી આના નારા સાથે વિનાયકનેે વિદાયમાન આપવામાં આવશે.

