સુરત ક્રાઈમ બ્રાન્ચે આંગડિયા પેઢી સાથે મોટી છેતરપિંડી આચરનાર ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગે મોટા વેપારી તરીકેની ખોટી ઓળખ આપીને છત્તીસગઢની ‘મહાદેવ એન્ટરપ્રાઈઝ’ આંગડિયા પેઢીના કર્મચારી સાથે છેતરપિંડી કરી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં બે આરોપીઓ, અમિત ખત્રી અને અનિલ મથરાણીની ધરપકડ કરી છે.પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, આરોપીઓએ રાજકોટમાં એક મોટા વેપારી તરીકેની ઓળખ આપીને આંગડિયા પેઢી મારફતે વડોદરા અને સુરત ખાતે 54.39 લાખ રૂપિયા મંગાવ્યા હતા.નાણાં મંગાવ્યા બાદ આરોપીઓએ ચુકવણી ન કરી અને છેતરપિંડી આચરી હતી. આરોપીઓએ આ ગુનો આચરવા માટે પાલનપુરથી ડમી સીમકાર્ડ ખરીદ્યા હતા, જેનો ઉપયોગ કરીને તેઓ અલગ-અલગ આંગડિયા પેઢીઓને ટાર્ગેટ કરતા હતા
સુરત ક્રાઈમ બ્રાન્ચે સુમુલ ડેરી રોડ પરથી અમિત ખત્રી અને અમદાવાદથી અનિલ મથરાણીની ધરપકડ કરી. આરોપીઓ પાસેથી 9.30 લાખ રોકડ, ત્રણ મોબાઈલ ફોન અને એક ફોર-વ્હીલ કાર સહિત કુલ 12.81 લાખ રૂપિયાની મત્તા જપ્ત કરવામાં આવી છે.પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, આરોપીઓ અગાઉ ક્રિકેટ સટ્ટાબાજીના ધંધામાં સંડોવાયેલા હતા. અમિત ખત્રી વિરુદ્ધ રાજપીપળા પોલીસ મથકમાં અગાઉ ગુનો નોંધાયેલો છે, જ્યારે અનિલ મથરાણી વિરુદ્ધ ત્રણ ગુનાઓ નોંધાયેલા છે.સુરત ક્રાઈમ બ્રાન્ચે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને અન્ય સંડોવાયેલા આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. આ ઘટનાએ આંગડિયા પેઢીઓ સાથેની છેતરપિંડીના વધતા જતા કેસો પર પ્રકાશ પાડ્યો છે, અને પોલીસે નાગરિકોને આવા કૌભાંડોથી સાવચેત રહેવા અપીલ કરી છે.
રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત


