સુરતના ચોક બજાર વિસ્તારમાં રૂપિયાના બદલે કાગળની થપ્પી આપીને લોકો સાથે છેતરપિંડી કરતી એક ગેંગનો પર્દાફાશ થયો છે. સુરત પોલીસની ચોક બજાર પોલીસે ખાસ વેશપલટો કરીને આ ગેંગના સભ્યોને અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાંથી ઝડપી પાડ્યા છે.
આ ગેંગના સભ્યોને પકડવા માટે પોલીસ ચા વેચનારા, ઈંડાની લારીવાળા અને શાકભાજીની લારીવાળા તરીકેનો સ્વાંગ રચીને રેકી કરી ગુનેગારોને પકડવામાં સફળતા મેળવી હતી.સુરતના ચોક બજાર વિસ્તારમાં આ ગેંગ ખાસ કરીને એકલી જતી મહિલાઓને નિશાન બનાવતી હતી. તેઓ શાકભાજી માર્કેટ, ખરીદી માર્કેટ અથવા સોસાયટીઓમાં રેકી કરતા હતા. મહિલાઓ સાથે વાતચીત શરૂ કરીને તેમને વિશ્વાસમાં લેતા હતા. પછી તેઓ એક રૂપિયાની સાચી નોટ ઉપર રાખીને નીચે કાગળની થપ્પીનું બંડલ બતાવતા અને કહેતા કે “આ પૈસા કોઈ લઈ જશે, આ ગઠ્ઠો તમે રાખો.” આ રીતે વિશ્વાસમાં લીધા પછી, તેઓ મહિલાઓને તેમના ઘરેણાં ઉતારી લેવા માટે કહેતા અને છેતરપિંડી કરીને તે ઘરેણાં લઈને ફરાર થઈ જતા હતા. આ ગેંગનો ત્રાસ સુરત શહેરમાં ઘણો વધી ગયો હતો. 11 ઓગસ્ટે વેડ રોડ પર એક મહિલા સાથે આવી જ એક ઘટના બની હતી. અજાણી મહિલા અને ત્રણ અજાણ્યા પુરુષોએ આ મહિલાને છેતરીને તેની સોનાની ચેઈન અને વીંટી પડાવી લીધી હતી. આ બનાવ બાદ ચોક બજાર પોલીસ સ્ટેશનના પોલીસ જવાનોએ ગુનાવાળી જગ્યાના સી.સી.ટી.વી. ફૂટેજ અને ટેક્નિકલ એનાલિસિસ કરીને આરોપીઓની ઓળખ કરી હતી. જાણવા મળ્યું કે આરોપીઓ અરવલ્લી અને સાબરકાંઠાના છે.આ માહિતી મળતા પોલીસ જવાન મહાવીરસિંહ ભીમજીભાઈ, રાહુલભાઈ કમલેશભાઈ, ભૂમિતભાઈ જશવંતભાઈ અને વિષ્ણુભાઈ કાંતિભાઈની ટીમ અરવલ્લી અને સાબરકાંઠા જવા રવાના થઈ હતી. આરોપીઓ સ્લમ અને ગીચ વિસ્તારોમાં રહેતા હતા અને તેમનો ગુનાહિત ઈતિહાસ જોતા તેઓ ઘણા રીઢા ગુનેગાર હતા. તેમની ઓળખ છતી ન થાય તે માટે પોલીસે વેશપલટો કરવાનું નક્કી કર્યું હતું. પોલીસ ટીમના સભ્યોએ જુદા જુદા સ્વાંગ ધારણ કર્યા હતા. પોલીસ જવાન રાહુલભાઈ કમલેશભાઈ ઈંડાની લારીવાળા બન્યા હતા. મહાવીરસિંહ ચાની કીટલીવાળા બન્યા હતા અને વિષ્ણુભાઈ શાકભાજીની લારીવાળા બન્યા હતા. આ વેશપલટા સાથે પોલીસે બાયડ અને ઈડરમાં તપાસ કરીને એક મહિલા અને બે પુરુષોને ઝડપી લીધા. પોલીસે તેમની પાસેથી છેતરપિંડીથી મેળવેલા સોનાના ઘરેણાં પણ રિકવર કર્યા છે. આ ગેંગ છેતરપિંડીનો ગુનો કરીને અમદાવાદ અને અરવલ્લીના તેમના રહેઠાણે પરત જતી રહેતી હતી. પોલીસે આ કામગીરી કરીને એક મોટી ગુનાહિત ગેંગનો પર્દાફાશ કર્યો છે.
રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત


