આરોગ્યના ક્ષેત્રે ટેકનોલોજીની પરિવર્તનકારી ભૂમિકા વિષે બૌદ્ધિકો-નિષ્ણાતો દ્વારા વિસ્તૃત વિચાર વિમર્શ માટે —
ગણપત યુનિવર્સિટી દ્વારા રાષ્ટ્રીય કક્ષાના ” હેલ્થ-ટેક સમિટ : 2025 “નું ભવ્ય અને ભારે સફળ આયોજન થયું !
મુખ્ય મહેમાન તરીકે રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ તો અતિથિ વિશેષ તરીકે ડો. અનિલ નાયક અને ડો. પ્રાંજલ મોદી ખાસ ઉપસ્થિત રહ્યા !
ડિવાઇસિસ, ડિલિવરી, ડાટા, ડિસ્કવરી અને એફિસિયન્ટ તેમજ ઇન્ક્લુસિવ હેલ્થ-કેર માટેના કેન્દ્રીય વિચાર ઉપર આયોજિત આ સમિટમાં 500 જેટલા અભ્યાસુ-સંશોધકોએ સહભાગી બની આ જ્ઞાનોત્સવનો લાભ લીધો હતો.
આરોગ્યના ક્ષેત્રે ટેકનોલોજીની પરિવર્તનકારી ભૂમિકા વિશે બૌધ્ધિકો-નિષ્ણાતો દ્વારા વિસ્તૃત ચર્ચાઓ, કી-નોટ સેશન્સ, પેનલ ડિસ્કશન્સ, ઇનોવેશન ગેલેરી અને આરોગ્ય અન્વેષણ જેવાં વિવિધ આયામો સાથે તાજેતરમાં ગણપત યુનિવર્સિટીના આંગણે રાષ્ટ્રીય કક્ષાના એક હેલ્થ-ટેક
સમિટ-2025નું ભવ્ય અને ભારે સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આરોગ્ય ક્ષેત્રમાં પ્રવર્તતાં નવીનતા, નેતૃત્વ અને શ્રેષ્ઠતા માટેના આ અનોખા મંચ ઉપર ડિવાઇસિસ, ડિલિવરી, ડાટા, ડિસ્કવરી અને એફિશિયન્ટ તેમજ હેલ્થ-કેર માટેના કેન્દ્રીય વિચાર ઉપર આયોજિત આ “હેલ્થ-કેર સમિટ : 2025 ” માં ગુજરાત સરકારના આરોગ્ય, મેડિકલ તેમજ ઉચ્ચ શિક્ષણ અને કાનૂન ખાતાના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સમિટના મુખ્ય મહેમાન તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
અન્ય વિશેષ મહેમાનોમાં ગણપત યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પદ્મશ્રી ગણપતભાઈ પટેલ – દાદા ( ઓનલાઇન ), ગ્રુપ પ્રો ચાન્સેલર અને ડાયરેક્ટર જનરલ પ્રો. ડૉ. શ્રી મહેન્દ્ર શર્મા, ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડો. શ્રી અનિલ નાયક, ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સિસના વાઇસ ચાન્સેલર પ્રો. ડૉ. પ્રાંજલ મોદી હતાનો મુખ્યત્વે સમાવેશ થતો હતો.
” હેલ્થ-કેર સમિટ : 2025 “નો આરંભ દીપ-પ્રાગટ્યથી થયો હતો તો ઉદઘાટન સમારંભની શરૂઆત ગણપત યુનિવર્સિટીના સીનિયર પ્રો વાઇસ ચાન્સેલર પ્રો. ડો. આર.કે પટેલના આવકાર પ્રવચનથી થઈ હતી.
મહેમાનોના યથોચિત સ્વાગત અભિવાદન પછી ગણપત યુનિવર્સિટીના ગ્રુપ પ્રો ચાન્સેલર પ્રો. ડૉ. શ્રી મહેન્દ્ર શર્માએ
હેલ્થ-કેર સમિટના આયોજનની ભૂમિકા રૂપે વ્યાખ્યાન આપ્યું હતું જેમાં એમણે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આરોગ્ય અંગેની ખેવનાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે હેલ્થ-કેર ક્ષેત્રે નવી ટેકનોલોજીનો સ્વીકાર અને તેના વિનિયોગનું ઘણું મહત્વ છે. હેલ્થ-કેર સેક્ટરમાં ટેકનોલોજીના વ્યાપક ઉપયોગથી જ વારસાગત રોગોવાળા માનવ-બીજનું શુદ્ધિકરણ જેવા આવિષ્કારો શક્ય બન્યા છે તો આગામી સમયમાં માણસના મનોવલણોને પણ પારખી શકાશે.
આ સમિટનો હેતુ એટલો અને એવો ઉદાત છે કે તેના દ્વારા શિક્ષણશાસ્ત્રીઓ, નીતિ-રીતિ ઘડનારાઓ, આરોગ્ય ક્ષેત્રનું નેતૃત્વ કરતા મહાનુભાવો, અભ્યાસુ – સંશોધકો, વિદ્યાર્થીઓ અને
ઉદ્યોગ-નિષ્ણાતો એક મંચ ઉપર ભેગા મળે અને હેલ્થ-કેર સેક્ટરના ઉત્કર્ષ વિષે વિચાર વિમર્શ કરી શકે.
ગણપત યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પદ્મશ્રી ગણપતદાદાએ ઓનલાઈન આપેલા એમના આશીર્વાદ સમા પ્રવચનમાં કહ્યું હતું કે આ સમિટનું હેલ્થ-કેર ક્ષેત્રે ઘણું મહત્વ છે. એમણે ભવિષ્યમાં ગણપત યુનિવર્સિટી ખાતે મહત્વના બે પ્રકલ્પ શરૂ કરવાનું પોતાનું સપનું જણાવતા કહ્યું હતું કે મારે રિસર્ચ માટે એક ડાટા સેન્ટર બનાવવાનું અને બીજું ગણપત યુનિવર્સિટીને રીન્યુઅલ એનર્જી બાબતે 100% સેલ્ફ રિલાયન્ટ બનાવવા ધારું છું.
આ અવસરે 500 જેવી મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી આ જ્ઞાન-ઉત્સવનો લાભ લીધો હતો.
ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સના ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ડો. પ્રાંજલ મોદીએ તેના કી-નોટ એડ્રેસમાં ગુજરાતમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન તથા રોબોટિક સર્જરી ક્ષેત્રે હાંસલ થયેલી સિદ્ધિઓ વિશે પ્રકાશ પાડ્યો હતો, તો હજુ નવી નવી ટેકનોલોજીના વિનિયોગ દ્વારા ભવિષ્યમાં કેટલું બધું કામ થઈ શકે તેમ છે તેની સંભાવનાની પણ વાત કરી હતી.
આ સમિટમાં ” ફાઈવ ‘ડી’સ ફોર એફિશિયન્ટ એન્ડ ઇન્કલુસીવ હેલ્થ-કેર “નામના પુસ્તકનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું.
સમિટના હાર્દરૂપ એવાં બે પેનલ ડિસ્કશન પણ અવસરે યોજાયા હતા :
1.” એમ્પાવરિંગ હેલ્થ-કેર ટ્રાન્સફોર્મેશન “વિષય ઉપરના પેનલ ડિસ્કશનમાં ડો. પાર્થ દેસાઈ, ડો. ભાવેશ મોદી, ડો. રાકેશ જોશી, ડો. બાબાભાઈ મુંજી અને ડોક્ટર મનોજ સતીગેરીએ ગ્રામ્ય આરોગ્ય,
ઓક્યુપેશનલ હેલ્થ અને સર્જીકલ સર્વિસિસમાં ટેકનોલોજીના અમલીકરણ અંગે વિચારો રજૂ કર્યા હતા . આ ડિસ્કશનમાં મોડરેટર તરીકે ડો. કિશોર બારડ અને ડો. ગિરીશ પટેલે ફરજ બજાવી હતી.
2. બીજું પેનલ ડિસ્કશન હતું
” રિવોલ્યુશનાઇઝિંગ હેલ્થ-કેર ડિલિવરી ” ઉપરનું, જેમાં શ્રી જ્વલન્ત બટાવિયા, ડો. દીપક આનંદ, ડો. વિશાલ નાણાવટી, શ્રી જલિલ પી.એ. ડૉ. સુબોધ પી.આડેસરા, ડો. હિરેન પટેલ અને શ્રી સૈયદ એસ અહેમદ. આ સૌ નિષ્ણાતોએ સ્માર્ટ ડિવાઇસિસ, ટેલિ-મેડિસિન, એઆઈ અને આઇઓટી આધારિત આરોગ્ય સેવાઓની સંભાવના વિશે વિષદ ચર્ચા કરી હતી. આ ડિસ્કશનમાં મોડરેટર તરીકે ડો. સત્યેન પરીખ અને ડો. પ્રફુલ્લ ભારડિયાએ ફરજ બજાવી હતી.
” આરોગ્ય અન્વેષ – 2025 ” અને ” ઇનોવેશન ગેલેરી “નું પણ આ અવસરે વિશેષ આયોજન થયું હતું જેમાં રાજ્યભરના 63 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ વિજેતાઓમાં પ્રથમ ક્રમે રાજકોટની મારવાડી યુનિવર્સિટી, બીજા ક્રમે ગણપત યુનિવર્સિટી ( ફિઝિયોથેરાપી ઇન્સ્ટિટયૂટ) અને ત્રીજા ક્રમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ( ફાર્મસી વિભાગ ) આવ્યા હતા.
સમિટના સમાપન સમારોહમાં કેટલાક સહભાગીઓએ પોતાના નિખાલસ પ્રતિભાવોમાં સમગ્ર આયોજનને ઘણું સફળ અને અર્થપૂર્ણ ગણાવ્યું હતું. યુનિવર્સિટીના ઇન્સ્ટિટયૂટ ઓફ ફાર્મસીના પ્રિન્સિપાલ પ્રો. ડો. શ્રી સંજીવ આચાર્યએ આ આયોજનને સફળ બનાવવામાં જેમણે જેમણે સહયોગ આપ્યો હતો એ સૌના સૌજન્યનો સ્વીકાર કરી એ સૌ પ્રત્યે યુનિવર્સિટી વતી આભારની લાગણી વ્યક્ત કરી હતી.


